સુપ્રસિદ્ધ કોમેડિયન કપિલ શર્માના અમૃતસર સ્થિત નિવાસસ્થાન પર ફાયરિંગ થયું હોવાની અફવાઓ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી હતી.જેને અમૃતસર પોલીસે સત્તાવાર રીતે ફગાવી દીધી છે. પોલીસ અધિકારીઓએ સંપૂર્ણ તપાસ અને ચકાસણી બાદ સ્પષ્ટતા કરી છે કે, આવી કોઈ જ ઘટના ઘટી નથી.
અફવાઓ કેમ ઝડપથી ફેલાઈ?
આ અફવાઓએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી પકડ પકડી લીધી, કારણ કે કેનેડામાં આવેલી કપિલ શર્માની ‘કેપ્સ કેફે’ (Kap’s Café) ને છેલ્લા એક વર્ષમાં એક કરતાં વધુ વખત નિશાન બનાવીને ત્યાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે (Surrey) માં આવેલી કપિલ શર્માની આ કેફે પર જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબર 2025 દરમિયાન હુમલા થયા હતા:
-
જુલાઈ 2025નો હુમલો: હુમલાખોરોએ કેફે પર કથિત રીતે 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેની જવાબદારી કથિત ખાલિસ્તાની અલગતાવાદી હરજીત સિંહ લાડ્ડીએ લીધી હતી.
-
ઓગસ્ટ ૨૦૨૫નો હુમલો: કેફેના પરિસરમાંથી ગોળીઓના નિશાન અને તૂટેલા કાચ મળી આવ્યા હતા. તે સમયે લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન સાથે જોડાયેલી એક સોશિયલ મીડિયા પોસ્ટે આ શૂટિંગની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કરાયો હતો.
-
ઓક્ટોબર 2025નો હુમલો: આ કેફે પર ફરીથી ફાયરિંગ થયું હતું, જેમાં પણ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ધિલ્લોન સહિતના ગેંગસ્ટરોએ જવાબદારી લીધી હતી.
પોલીસ કમિશનરની અપીલ: અફવાઓથી દૂર રહો
સોમવારે અમૃતસરમાં કપિલ શર્માના ઘર પર ફાયરિંગની નવી અફવાઓ સર્જાતા જ પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે લોકોને અપીલ કરી છે કે, “કોઈપણ આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને માહિતીને શેર અથવા વાયરલ કરતાં પહેલાં તેની સત્યતા તપાસી લેવી.”
એસીપી વેસ્ટ (ACP West) કમલજીત ઓલખે જણાવ્યું હતું કે, પોલીસે ઘટનાસ્થળે જઈને ઝીણવટભરી તપાસ કરી છે અને કપિલ શર્માના ઘરની બહાર ફાયરિંગની કોઈ ઘટના બની નથી. પોલીસે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ આવી વણચકાસાયેલી માહિતી ન ફેલાવે અને માત્ર સત્તાવાર અપડેટ્સ પર જ ભરોસો રાખે.
Post Views: 26











