કાળમુખો હાઇવા: મોડાસર ચોકડી પાસે ટ્રકે બાઇકને 150 ફૂટ ઢસડી, પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, 15 વર્ષનો પુત્ર ગંભીર

બોડેલી તાલુકાના મોડાસર ચોકડી નજીક એક કાળજું કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રેતી ભરવા જઈ રહેલા એક બેફામ હાઇવા ટ્રકે મોટરસાયકલને અડફેટે લઈ આશરે 150 ફૂટ સુધી ઢસડી હતી. આ ભયાનક અકસ્માતમાં બાઇક સવાર પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેમનો ૧૫ વર્ષીય માસૂમ પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત સર્જ્યા બાદ હાઇવા ટ્રકનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

રોંગ સાઇડમાં આવતા ટ્રકે લીધા અડફેટે

મળતી માહિતી મુજબ, બોડેલી તાલુકાના વાલપરી ગામે રહેતા અને અલ્હાદપુરા ડેરીમાં નોકરી કરતા શૈલેષભાઈ અમરતભાઈ રાઠવા (ઉં.વ. ૪૨) પોતાના 15 વર્ષના પુત્ર હેત સાથે હિરો આઈ-સ્માર્ટ મોટરસાયકલ લઈને બોડેલીથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મોડાસર ચોકડી પાસે નસવાડી તરફથી આવી રહેલા એક સફેદ રંગના હાઇવા ટ્રકના ચાલકે પોતાના કબજાનું વાહન રોંગ સાઇડમાં, પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી બાઇકને જોરદાર ટક્કર મારી હતી.

150 ફૂટ સુધી બાઇક ઘસડાયું, પિતાએ જીવ ગુમાવ્યો

અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક બાઇકને આશરે 150 ફૂટ સુધી ઘસડી ગયો હતો. જેના કારણે શૈલેષભાઈને માથા, કપાળ તેમજ પગના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર હેતને ચહેરા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક પ્રથમ બોડેલી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વાઘોડિયા ખાતે રિફર કરવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ અને આગળની કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની ટીમે તપાસીને શૈલેષભાઈને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટના અંગે મૃતકના ભાઈ કમલેશભાઈ અમરતભાઈ રાઠવાએ બોડેલી પોલીસ મથકે ફરાર હાઇવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Comment

READ MORE

READ MORE