પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતના દવા બજાર (ફાર્માસ્યુટિકલ માર્કેટ) પર પણ પડવાની આશંકા સેવાઈ રહી છે. કેન્દ્ર સરકાર 384 આવશ્યક અને જીવનરક્ષક દવાઓની કિંમતોમાં એક વખત માટે ‘ઇમરજન્સી વધારો’ કરવા પર વિચાર કરી રહી છે. જોકે, આ ભાવવધારો કામચલાઉ હોઈ શકે છે અને પરિસ્થિતિ સામાન્ય થતાં કિંમતો ફરી ઘટાડવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલ બાદ હવે દવાઓના ભાવમાં ફેરફારની આ ચર્ચા સામાન્ય લોકોના ખિસ્સા પર વધારાનો બોજ નાખી શકે છે. જોકે, હાલમાં તેને માત્ર એક અસ્થાયી (ટેમ્પરરી) પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
કાચા માલના ભાવમાં 200 થી 300 ટકાનો તોતિંગ ઉછાળો
દવા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે પશ્ચિમ એશિયાની કટોકટી બાદ ઘણા જરૂરી કેમિકલ્સ અને કાચા માલ (Raw Materials)ની કિંમતોમાં 200થી 300 ટકા જેટલો વધારો થયો છે. આ સાથે જ પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટેશન (પરિવહન) ખર્ચમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. આ ગંભીર મુદ્દે જ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA), ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
કઈ-કઈ દવાઓ મોંઘી થવાની શક્યતા?
સરકારની આ પ્રસ્તાવિત યાદીમાં એવી જરૂરી દવાઓ સામેલ છે. જેનો સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગ થાય છે:
-
એન્ટીબાયોટીક્સ: એમોક્સિસિલિન (Amoxicillin) અને એઝિથ્રોમાઇસિન (Azithromycin).
-
હૃદયરોગની દવાઓ: એમલોડિપાઇન (Amlodipine) અને એટોરવાસ્ટેટિન (Atorvastatin).
-
પેઇન કિલર: પેરાસીટામોલ (Paracetamol).
-
સ્ટેરોઇડ: ડેક્સામેથાસોન (Dexamethasone).
-
વિટામિન્સ: એસ્કોર્બિક એસિડ (વિટામિન-સી) સહિતની અન્ય જીવનરક્ષક દવાઓ.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો
છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વાર વધારો ઝીંકાયો છે. મંગળવારે પ્રતિ લીટર આશરે 90 પૈસાના વધારા બાદ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.77 રૂપિયાથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 90.67 રૂપિયાથી વધીને 91.58 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. સરકારે માર્ચ મહિનામાં એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદન શુલ્ક)માં કાપ મૂક્યા બાદ, ઇંધણનો વપરાશ નિયંત્રિત કરવા અને ઓઇલ ઇમ્પોર્ટ બિલને સંતુલિત કરવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલું ભર્યું હતું.
ઊર્જા સંકટ વચ્ચે સરકારની અપીલ
પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે વડાપ્રધાન દ્વારા દેશવાસીઓને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, સોનાની ખરીદીમાં સાવચેતી રાખવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવા જેવી સલાહ આપવામાં આવી છે. ઊર્જાની વધતી કિંમતોને કારણે દેશના વિદેશી નાણું ભંડાર (ફોરેક્સ રિઝર્વ) પર દબાણ અને ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ) વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતમાં પૂરતો સ્ટોક હોવાનો દાવો
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG)નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ભારતનું ડીઝલ ઉત્પાદન તેની જરૂરિયાત કરતાં વધુ છે. જ્યારે એલપીજીની 60 ટકા માંગ આયાત પર નિર્ભર છે. જેનો મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) દરિયાઈ માર્ગેથી આવે છે.અધિકારીઓનું કહેવું છે કે, સરકાર સ્થાનિક ઉત્પાદન વધારીને સપ્લાય ચેઇનને સ્થિર રાખવાનો પ્રયાસ કરી રહી છે.જેથી વૈશ્વિક સંકટની સીધી અસર સામાન્ય ગ્રાહકો સુધી ઓછી પહોંચે.
Post Views: 0











