ભારત-UAE વચ્ચે રક્ષણ, તેલ અને $5 બિલિયનના રોકાણ સહિતના મહત્વના કરાર: PM મોદીએ કહ્યું- ‘UAE મારું બીજું ઘર’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે UAEની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, ક્રૂડ ઓઈલ અને રોકાણ સહિતના અનેક મોટા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભાવુક થતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “UAE મારા માટે બીજા ઘર જેવું છે અને આ લાગણી મારા જીવનનું અમૂલ્ય રત્ન છે. આજે તમારી વાયુસેનાના લડાકુ વિમાનોએ મને સુરક્ષા આપી, જે ભારતના લોકો માટે ગૌરવની વાત છે. ભારત દરેક મુશ્કેલ સમયમાં UAE ની સાથે અડીખમ ઊભું રહેશે.”

ભારત હંમેશા UAE સાથે રહેશે: PM મોદી સંયુક્ત સંબોધન દરમિયાન PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત-UAE વચ્ચેના વ્યૂહાત્મક સહયોગનું મહત્વ ઘણું વધી ગયું છે. આગામી સમયમાં બંને દેશો દરેક ક્ષેત્રમાં ખભેખભો મિલાવીને આગળ વધશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે ત્યારે ભારતે હંમેશા સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા વિવાદોના ઉકેલ પર ભાર મૂક્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમારો સૌથી મોટો ટાર્ગેટ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) મુક્ત અને ખુલ્લી રહે તે છે. આ માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન અનિવાર્ય છે. શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારત શક્ય તમામ મદદ કરશે.”

UAE પર થયેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા વડાપ્રધાને UAE પર થયેલા તાજેતરના હુમલાઓની સખત નિંદા કરતા કહ્યું હતું કે, જે પ્રકારે UAE ને નિશાન બનાવવામાં આવ્યું છે તે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે UAE દ્વારા લેવામાં આવેલા પગલાંને ભારતે આવકાર્યા છે.આ ઉપરાંત, મુશ્કેલ સમયમાં UAE માં વસતા ભારતીય પ્રવાસીઓની પરિવારના સભ્યોની જેમ કાળજી રાખવા બદલ તેમણે UAE સરકાર અને શાહી પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

બંને દેશો વચ્ચે થયેલા મુખ્ય કરારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ભારત માટે વ્યૂહાત્મક અને ઊર્જા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સફળ સાબિત થઈ છે. તેમની હાજરીમાં રક્ષણ, ઊર્જા સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 5 બિલિયન ડોલરના રોકાણ સહિતના મહત્વના કરારો પર મહોર મારવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઇંધણના સંકટ વચ્ચે આ ભાગીદારી ભારતની ‘એનર્જી સિક્યોરિટી’ માટે ગેમ-ચેન્જર માનવામાં આવી રહી છે.

Leave a Comment

READ MORE

READ MORE