જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે પ્રાચીન નવરાત્રીનો રંગ જામ્યો: ૧૨૫ બાળાઓ રમે છે સળગતી ઇંઢોણી અને ભુવા રાસ

જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે પ્રાચીન નવરાત્રીનો રંગ જામ્યો

આજના આધુનિક અને ઝાકઝમાળથી ભરેલા પાર્ટી પ્લોટના યુગ વચ્ચે પણ જૂનાગઢમાં ગિરનારની પવિત્ર ગોદમાં ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરા અકબંધ જોવા મળે છે. ભવનાથ ક્ષેત્રના દત્ત ચોક ખાતે આવેલું ‘શ્રી દત્તાત્રેય ગરબી મંડળ’ છેલ્લાં ઘણા સમયથી પ્રાચીન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છે. આ વર્ષે પણ અહીં અત્યંત ભક્તિભાવપૂર્વક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગરબી મહોત્સવ અને રાસની મુખ્ય વિગતો:

  • ૧૨૫ બાળાઓનો પ્રાચીન રાસ: આ ગરબીમાં આશરે ૧૨૫ જેટલી નાની બાળાઓ ક્રમબદ્ધ રીતે વિવિધ પરંપરાગત પ્રાચીન રાસ રજૂ કરે છે. જેમાં ‘સળગતી ઇંઢોણી રાસ’, ‘પ્રાચીન ભુવા રાસ’, ‘ત્રિશૂળ રાસ’ અને ‘થાળી રાસ’ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.

  • સળગતી ઇંઢોણી રાસની વિશેષતા: આ ગરબીનું મુખ્ય આકર્ષણ ‘સળગતી ઇંઢોણીનો રાસ’ છે. જેમાં બાળાઓ માથા પર સળગતો ગરબો મૂકીને સતત અડધો કલાક સુધી અવિરત રાસ રમે છે. માતાજીની કૃપાથી બાળાઓને કે તેમના વસ્ત્રોને સહેજ પણ આંચ આવતી નથી.

  • વિના પ્રેક્ટિસે ભુવા રાસ: અહીં રજૂ કરાતા ‘પ્રાચીન ભુવા રાસ’ માટે બાળાઓને કોઈ અગાઉથી પ્રેક્ટિસ કરાવવામાં આવતી નથી કે શીખવવામાં આવતું નથી. સાક્ષાત માતાજીનો ભાવ પ્રગટ થતાં બાળાઓ સ્વયંભૂ ગરબે ઘૂમે છે.

  • દરોજ ૨૦૦૦ ભક્તોની ઉપસ્થિતિ: ગિરનારની તપોભૂમિ પર યોજાતી આ પ્રાચીન ગરબી નિહાળવા માટે દરરોજ ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા ભાવિક ભક્તો ઉમટી પડે છે. ગરબી મંડળ દ્વારા તમામ બાળાઓ માટે પ્રોત્સાહક ઇનામો, પોશાક અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE