અમેરિકાના ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટના: ખેલાડીઓને લઈ જતું પ્લેન ક્રેશ, 5 લોકોના કરુણ મોત

અમેરિકાના ટેક્સાસ હિલ કન્ટ્રી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખેલાડીઓને લઈને જઈ રહેલું એક નાનું વિમાન ટેક્સાસના વિમ્બર્લી શહેર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું છે..આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના અહેવાલ મુજબ, સેસ્ના 421C (Cessna 421C) વિમાને ટેક્સાસના અમરિલોથી ઉડાન ભરી હતી. ગુરુવારે રાત્રે આશરે 11:25 વાગ્યે, ઓસ્ટિનથી 40 માઇલ દૂર વિમ્બર્લી પાસે વિમાન અચાનક ક્રેશ થયું હતું. હેય્સ કાઉન્ટીના ન્યાયાધીશ રુબેન બેસેરાએ પુષ્ટિ કરી છે કે, વિમાન તેની નિયત ગતિ કરતા ખૂબ જ વધારે ઝડપે હતું. જેના કારણે પાયલોટે નિયંત્રણ ગુમાવ્યું હોવાની પ્રાથમિક આશંકા છે.

એર ટ્રાફિક કંટ્રોલના રેકોર્ડિંગમાં મોટો ખુલાસો

એર ટ્રાફિક કંટ્રોલના ઓડિયો રેકોર્ડિંગ મુજબ, આ વિમાન સાથે અન્ય એક વિમાન પણ ઉડી રહ્યું હતું. બીજા વિમાનના પાયલોટે જણાવ્યું કે, “અચાનક સેસ્ના વિમાન અનિયમિત રીતે હવામાં ફરવા લાગ્યું હતું અને થોડી જ ક્ષણોમાં તે રડાર પરથી ગાયબ થઈ ગયું.” કંટ્રોલર દ્વારા સંપર્ક કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને અંતે પ્લેનનો ઇમરજન્સી લોકેટર ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યો હતો.

મુખ્ય વિગતો:

  • મૃતકો: વિમાનમાં સવાર તમામ 5 મુસાફરો (ખેલાડીઓ હોવાની પ્રાથમિક વિગત).

  • વિમાનનો પ્રકાર: સેસ્ના 421C (Twin-engine aircraft).

  • દુર્ઘટનાનું સ્થળ: વિમ્બર્લી શહેર, ટેક્સાસ હિલ કન્ટ્રી.

  • હવામાનની સ્થિતિ: ક્રેશના સમયે આકાશ વાદળછાયું હતું.. પરંતુ થોડી વાર બાદ તે વિસ્તારમાં ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું.

તપાસ તેજ કરાઈ

દુર્ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક તંત્ર અને તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. હાલ મૃતકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે…પરિવારોને જાણ કર્યા બાદ સત્તાવાર નામો જાહેર કરવામાં આવશે.બીજી તરફ, સાથે ઉડી રહેલું અન્ય એક વિમાન ન્યૂ બ્રૌનફેલ્સ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હોવાના અહેવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE