રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમની ટીમે દારૂબંધીના કડક અમલ માટે રાજકોટ-ચોટીલા હાઈવે પર એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે જાની વડલા ગામના પાટિયા પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી.પ્રાથમિક તપાસમાં ટ્રકમાં ઉપરના ભાગે કપાસિયાની બોરીઓ ભરેલી દેખાતી હતી. પરંતુ તેની નીચે વ્યવસ્થિત રીતે છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ દરોડા દરમિયાન પોલીસે ટ્રકમાંથી કુલ 10,740 બોટલો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹1,28,88,000 જેટલી થાય છે. દારૂના જથ્થા સાથે પોલીસે ટ્રક પણ જપ્ત કરી છે. આમ કુલ ₹1.46 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ મામલે ટ્રક ચાલક શાહિદ જૂસબભાઈ હિંગોરા (રહે. ભાણવડ)ની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો ભાણવડના રાણપર ગામના ચનાભાઇ દેવાભાઇ રબારી દ્વારા મંગાવવામાં આવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે રેન્જ આઈજીની ટીમ દ્વારા કરવામાં આવેલી આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને સતર્કતા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસે ઝડપાયેલ ટ્રક ચાલક અને જથ્થો મંગાવનાર ચનાભાઇ રબારી સહિત સંડોવાયેલા અન્ય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
Post Views: 0











