ઈઝરાયેલ-લેબનોન વચ્ચે જંગ અટકી: ટ્રમ્પની મધ્યસ્થીથી 10 દિવસના સીઝફાયરની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ રાજનીતિમાં મોટી સફળતા મેળવતા ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના સીઝફાયરની (યુદ્ધવિરામ) જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ ઐતિહાસિક નિર્ણયની જાણકારી આપી હતી.

શાંતિની નવી આશા: ટ્રમ્પનો મોટો દાવો

ટ્રમ્પે જણાવ્યું કે, “મારી લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ખૂબ જ સકારાત્મક વાતચીત થઈ છે. બંને નેતાઓ ઔપચારિક રીતે 10 દિવસના સીઝફાયર માટે સંમત થયા છે.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે અત્યાર સુધીમાં વિશ્વના 9 યુદ્ધો ઉકેલવા તે તેમના માટે સન્માનની વાત છે અને આ તેમનું 10મું અભિયાન હશે.

વોશિંગ્ટનમાં 34 વર્ષ પછી ઐતિહાસિક મુલાકાત

  • મુખ્ય બેઠક: મંગળવારે 34 વર્ષમાં પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ મંડળો વોશિંગ્ટનમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મળ્યા હતા.

  • ટીમ ટ્રમ્પ: ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ, વિદેશ મંત્રી રુબિયો અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન ડેન રેજિન કેનને કાયમી શાંતિ સ્થાપવા માટે નિર્દેશ આપ્યા છે.

સીઝફાયર પહેલા ઈઝરાયેલનો મોટો હુમલો

સીઝફાયરની જાહેરાત થાય તે પહેલા 16 એપ્રિલના રોજ ઈઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનોનને ઉત્તરથી અલગ કરવા માટે વ્યૂહાત્મક રીતે મહત્વના કાસમીયેહ પુલને તોડી પાડ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સેનાના જવાન સહિત બે લોકો ઘાયલ થયા હતા.

હિઝબુલ્લાહનો વિરોધ

બીજી તરફ, લેબનોન સરકારના આ નિર્ણયથી હિઝબુલ્લાહ નારાજ દેખાઈ રહ્યું છે.હિઝબુલ્લાહના નેતા હુસૈન હજ હસને જણાવ્યું કે, ઈઝરાયેલ સાથે સીધી વાતચીત કરવી એ લેબનોન સરકારની ગંભીર ભૂલ છે અને તેનાથી દેશનું કોઈ હિત સધાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE