રાજ્યની તમામ લેબર અને ઈન્ડસ્ટ્રિયલ કોર્ટના વકીલો પણ હડતાળે, કેમ કરી રહ્યા છે વિરોધ?
ગુજરાતમાં ભાડા વિધેયકના વિરોધ બાદ હવે કેન્દ્ર સરકારના નવા લેબર કોડ સામે રાજ્યભરની લેબર અને ઈન્ડસ્ટ્રિયલ કોર્ટોના વકીલોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. નવા લેબર કોડની વિવાદાસ્પદ જોગવાઈઓના વિરોધમાં વકીલો આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળના કારણે મજૂરો અને કામદારોના હજારો કેસો ખોંભાઈ ગયા છે અને કોર્ટોમાં ન્યાયિક કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. હડતાળના પ્રથમ દિવસે વકીલોએ સૂત્રોચ્ચાર અને દેખાવો કરીને વિરોધ દર્શાવ્યો હતો.
વકીલોના વિરોધ અને હડતાળના મુખ્ય કારણો:
-
ન્યાયિક સત્તાઓ વહીવટી અધિકારીઓને સોંપવી: અગાઉ વિવિધ મજૂર કાયદા હેઠળ કેસો ચલાવવાની અને ન્યાય આપવાની આખરી સત્તા માત્ર લેબર અને ઈન્ડસ્ટ્રિયલ કોર્ટો પાસે જ હતી. પરંતુ નવા કાયદા હેઠળ આ સત્તાઓ કોર્ટો પાસેથી છીનવીને લેબર ડિપાર્ટમેન્ટના વહીવટી અધિકારીઓને સોંપવામાં આવી છે, જેઓ પૂરતી ન્યાયિક લાયકાત કે અનુભવ ધરાવતા નથી.
-
મજૂર વિભાગમાં સ્ટાફની અછત અને આઉટસોર્સિંગ: સરકારના લેબર ડિપાર્ટમેન્ટમાં પહેલેથી જ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે અને વિભાગ માત્ર ૩૦ થી ૪૦ ટકા ક્ષમતા સાથે ચાલે છે. ડેપ્યુટી અને આસિસ્ટન્ટ લેબર કમિશનરો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે. વહીવટી બોજ હેઠળ દબાયેલા અધિકારીઓ ન્યાયિક કામગીરી કેવી રીતે કરી શકશે તે સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
-
ગરીબ કામદારોના હિતો જોખમાવાની ભીતિ: વકીલોનો દાવો છે કે વહીવટી અધિકારીઓ પાસે ન્યાયિક કામગીરી સોંપાતા ગરીબ મજૂરો, રોજમદારો અને શ્રમિકોના અધિકારો તથા અસ્તિત્વની લડાઈને મોટો ફટકો પડશે.
નવા કાયદાની પૃષ્ઠભૂમિ: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ૨૧ નવેમ્બર ૨૦૨૫થી ચાર નવા લેબર કોડ (વેતન, સામાજિક સુરક્ષા,ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સલામતી) લાગુ કરવામાં આવ્યા છે, જેના નિયમો ગુજરાત સરકારે ફાઈનલ કરીને અમલી બનાવ્યા છે, જેનો રાજ્યભરના લેબર કોર્ટ પ્રેક્ટિશનર્સ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.











