બાળ વૈજ્ઞાનિક માનવ રૂપાભિંડા અને યુગરાજ વાઢેળની ટીમે વધાર્યું ગૌરવ શિક્ષક નીતિનભાઈ મોરીના માર્ગદર્શને રંગ રાખ્યો
જિલ્લા કક્ષાનો જંગ એકતરફી જીતી સ્ટેટમાં એન્ટ્રી; સાયન્સ સિટી અમદાવાદ ખાતે ઘાંટવડની પ્રતિભાનો વાગશે ડંકો
ગ્રામીણ વિસ્તારના બાળકો પણ જો તક મળે તો વિજ્ઞાનના ક્ષેત્રે મોટો ચમત્કાર સર્જી શકે છે તે વાત ઘાંટવડ કુમાર શાળાના વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવી છે! ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ’ (NCSC) સ્પર્ધામાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની અદભુત સંશોધન વૃત્તિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના બળે એવો ધમાકેદાર દેખાવ કર્યો છે કે સમગ્ર શિક્ષણ જગત દંગ રહી ગયું છે. જિલ્લા કક્ષાની કડક સ્પર્ધામાં વર્ચસ્વ જમાવીને શાળાના એક સાથે ૨ બ્રિલિયન્ટ પ્રોજેક્ટ્સ રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા છે રાજ્ય કક્ષાની ટીકિટ મેળવનાર પ્રથમ પ્રોજેક્ટનું દમદાર નેતૃત્વ બાળ વૈજ્ઞાનિક રૂપાભિંડા માનવ પ્રકાશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે બીજા પ્રોજેક્ટમાં બાળ વૈજ્ઞાનિક વાઢેળ યુગરાજ જેસિંગભાઈ એ પોતાના ગ્રુપ લીડર તરીકેના કૌશલ્યનો અદ્ભુત પરિચય આપ્યો છે. આ બંને વિજેતા પ્રોજેક્ટ્સ પાછળ શાળાના પાયાના પથ્થર સમાન માર્ગદર્શક શિક્ષક નીતિનભાઇ મોરી નું રાત-દિવસનું અથાક પરિશ્રમ અને કુશળ માર્ગદર્શન રહ્યું છે.
જિલ્લામાં સફળતાનો ઝંડો લહેરાવ્યા બાદ હવે આ બાળ વૈજ્ઞાનિકો સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત થનાર ‘રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ’માં ઘાંટવડનું પ્રતિનિધિત્વ કરશે અને ગુજરાતભરના શ્રેષ્ઠ દિમાગો વચ્ચે પોતાની આધુનિક વૈજ્ઞાનિક સોચનું પ્રદર્શન કરશે ગામડાનું નામ રાજ્ય સ્તરે રોશન કરનાર આ બાળ વૈજ્ઞાનિકોની અવિશ્વસનીય સિદ્ધિને બિરદાવતા શાળાના આચાર્ય મહેશભાઈ વાઢેર, સરપંચ
રફીક મહેતર શાળા પરિવાર SMC કમિટીના અધ્યક્ષ દિલીપ બાંભણીયા-ઉપાધ્યક્ષ શબ્બીર સેલોત તેમજ ગ્રામજનો અને સમગ્ર શિક્ષણ આલેખ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષક નીતિનભાઇ મોરી પર અભિનંદનનો ધોધ વહાવવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાએ પણ આ બાળકો વિજયપતાકા લહેરાવે તેવી સર્વત્ર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે











