જામનગર જિલ્લાના જોડિયા અને ઘોલ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે હેતુથી ઉડ-૨ સિંચાઈ યોજના ભરવા માટે પાઈપલાઈન નાખવાની માંગ સાથે ઘોલ માર્કેટ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરી દ્વારા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરભાઈ પટેલ તેમજ સંબંધિત સિંચાઈ વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જોડિયા અને ઘોલ તાલુકાની વચ્ચે મજોઠ ગામ નજીક ઉડ-૨ ડેમ આવેલો છે. જ્યારે ઉડ-૧ સિંચાઈ યોજના તેનાથી આશરે 20 કિલોમીટર દૂર હોવાનું જણાવાયું છે. બંને તાલુકામાંથી પસાર થતી ઉડ નદીના વિસ્તારમાં અનેક નાના-મોટા ચેકડેમ આવેલા છે, જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થતાં આસપાસના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે.
જોકે, છેલ્લા બે વર્ષથી અપુરતા વરસાદને કારણે ઉડ-૧ સિંચાઈ યોજનાના ઉપરવાસ અને નીચાણવાસના અનેક ગામોના ખેડૂતોને પિયત માટે જરૂરી પાણી મળતું નથી. બીજી તરફ સૌની યોજના મારફતે પણ અપેક્ષિત લાભ ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.
આ પરિસ્થિતિમાં ઉડ-૨ ડેમનું પાણી ઉડ-૧ સિંચાઈ યોજના સુધી પહોંચાડવા પાઈપલાઈન નાખવામાં આવે, તો બંને તાલુકાના અનેક ગામોના ખેડૂતોને સિંચાઈ માટે મોટો લાભ મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.
મસાણિયા ચેકડેમ ખેડૂતો માટે જીવાદોરી
જોડિયા તાલુકામાં ઉડ નદી પર આવેલો મસાણિયા ચેકડેમ પણ ખેડૂતો માટે મહત્વપૂર્ણ જળસ્રોત માનવામાં આવે છે. જોડિયા, બાદનપર અને કુનડ સહિતના ગામોના ખેડૂતો માટે આ ચેકડેમ જીવાદોરી સમાન હોવાનું સ્થાનિક સ્તરે જણાવાય છે. ચેકડેમનો પાણી સંગ્રહ વિસ્તાર આશરે બે કિલોમીટર સુધીનો હોવાનું પણ જણાવાયું છે.
ખેડૂતોના હિતમાં ઉડ-૨ સિંચાઈ યોજનાને પાઈપલાઈન મારફતે જોડીને પાણી ઉપલબ્ધ કરાવવાની માંગને લઈને હવે સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ખેડૂતોની નજર છે.











