રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો દાવો કરતી ડબલ એન્જિન ભાજપ સરકારના વિકાસ કાર્યો સામે હવે રસ્તાઓની બિસ્માર હાલત સવાલો ઉભા કરી રહી છે. છેલ્લા ત્રણ દાયકાથી વિકાસના નામે પ્રજાના નાણાંનો ખર્ચ થતો હોવા છતાં કેટલાક સરકારી કામોની ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નો ઉઠતા રહ્યા છે.
ખાસ કરીને મહેસૂલ, માર્ગ-મકાન અને પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સમયાંતરે સામે આવતા રહ્યા છે. ત્યારે માર્ગ-મકાન વિભાગ દ્વારા કરવામાં આવતા રસ્તાના નવિનીકરણની કામગીરીમાં ગુણવત્તા અને જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
રાજકોટ જિલ્લાના પડધરી અને નેકનામ વચ્ચે આશરે 6 કિલોમીટર લાંબા માર્ગનું નવિનીકરણ માત્ર છ માસ પૂર્વે કરવામાં આવ્યું હતું. પરંતુ 2026ના ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ અનેક સ્થળોએ રસ્તા પરથી ડામર ઉખડવા લાગ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પરિણામે માર્ગ ફરી બિસ્માર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
આ ઉપરાંત પડધરીથી દહિસરડા સુધીના આશરે 9 કિલોમીટર માર્ગના નવિનીકરણ માટે કરોડો રૂપિયાની સરકારી રકમ મંજૂર કરાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને પણ છ માસ જેટલો સમય જ થયો હોવાનું જણાવાય છે, છતાં હાલ માર્ગ પર ડામર ઉખડવા લાગ્યો છે અને ધીમે ધીમે ખાડાઓનું પ્રમાણ વધતું જાય છે.
વિકાસના કામો માટે પ્રજાના નાણાંનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે કામની ગુણવત્તા, કોન્ટ્રાક્ટરની જવાબદારી અને અધિકારીઓની દેખરેખ અંગે પારદર્શિતા હોવી જરૂરી છે. જો લાખો-કરોડોના ખર્ચે બનેલા રસ્તા છ મહિનામાં જ તૂટવા લાગે તો તેની ગુણવત્તાની તપાસ કોણ કરશે અને જવાબદારી કોની નક્કી થશે તે મોટો સવાલ છે.
ગુજરાત સરકારનું સૂત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ છે. પરંતુ વિકાસના કામો ટૂંકા ગાળામાં જ બિસ્માર બની જાય તો સરકારના વિકાસ કાર્યો પર પ્રજાનો વિશ્વાસ કેવી રીતે જળવાઈ રહેશે?
સ્થાનિકોની માંગ છે કે પડધરી-નેકનામ તથા પડધરી-દહિસરડા માર્ગના નવિનીકરણની તટસ્થ ગુણવત્તા તપાસ કરવામાં આવે, ખર્ચાયેલી રકમ અને કામગીરીની વિગતો જાહેર કરવામાં આવે તથા જો બેદરકારી કે હલકી ગુણવત્તાનું કામ સાબિત થાય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે.











