વાંકાનેર: વાંકાનેરમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવી ધોળે દિવસે લૂંટ ચલાવનાર ત્રણ બાળ કિશોરોને સિટી પોલીસે કલાકોમાં ઝડપી પાડી રૂ. 68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી ચોરાઉ બાઈક, રોકડ અને મોબાઈલ પણ મળી આવ્યા છે.
20 જુલાઈએ 79 વર્ષીય હરીલાલ વિડજા પાસેથી થેલાની લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે સીસીટીવી, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે લૂંટમાં વપરાયેલી બાઈક ભાવનગર જિલ્લાના ગારિયાધાર વિસ્તારમાંથી ચોરવામાં આવી હતી. આરોપીઓ ચોરાઉ બાઈક પર શહેરમાં ફરી વૃદ્ધો અને વેપારીઓની રેકી કરી લૂંટને અંજામ આપતા હતા.
પકડાયેલા ત્રણેય બાળ કિશોરોનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. એક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જ્યારે અન્ય બે સામે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાઓ નોંધાયેલા છે.
હાલ પોલીસે ત્રણેયની પૂછપરછ શરૂ કરી અન્ય ગુનાઓ અને સંભવિત સાગરિતોની કડી શોધવા તપાસ તેજ કરી છે.










