ચરાડવા નજીક સ્કૂલ બસનો ગંભીર અકસ્માત: ટ્રક પાછળ ઘૂસતાં 8 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

હળવદ તાલુકામાં શાળાએ જતી બ્રિલિયન્ટ સ્કૂલની બસ અકસ્માતનો ભોગ; 6 વિદ્યાર્થીઓ ચરાડવા અને 2 મોરબી હોસ્પિટલમાં સારવાર હેઠળ

હળવદ: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા નજીક આજે સવારે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સ્કૂલ બસ અકસ્માતનો ભોગ બની હતી. દેવીપુર સ્થિત બ્રિલિયન્ટ સ્કૂલની બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે પાછળથી અથડાતાં બસમાં બેઠેલા 8 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

માહિતી અનુસાર, બસ રોજની જેમ વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહી હતી. દરમિયાન ચરાડવા નજીક કોઈ કારણસર બસ આગળ ચાલી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાં બસમાં ચીસો પડતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 6 વિદ્યાર્થીઓને ચરાડવા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વધુ સારવારની જરૂર જણાતા 2 વિદ્યાર્થીઓને મોરબી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું.

પોલીસે ઘટના અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE