રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ટીપી વિભાગની કામગીરીને લઈને ભારે ચર્ચા જાગી હતી. ભાજપના કોર્પોરેટર કેતન ઠુમ્મરે ટીપી પ્લોટોને લગતા મુદ્દે સવાલોની ઝડી વરસાવતા સંબંધિત અધિકારીઓ અસહજ સ્થિતિમાં મુકાઈ ગયા હતા.
સભા દરમિયાન કેતન ઠુમ્મરે રજૂ કરેલા મુદ્દાઓ અને પૂછાયેલા સવાલોના સ્પષ્ટ જવાબ આપવામાં અધિકારીઓ નિષ્ફળ રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. અનેક પ્રશ્નોના જવાબ આપતી વખતે અધિકારીઓ અચકાતા અને થોથવાતા દેખાતા સભાખંડમાં ચર્ચાનો માહોલ ગરમાયો હતો.
સભામાં હાજર સભ્યોમાં એવી ચર્ચા પણ જોર પકડી રહી છે કે અધિકારીઓ પાસે જરૂરી માહિતીનો અભાવ હતો અથવા તો કેટલીક બાબતો અંગે જાહેરમાં ખુલાસો કરવો મુશ્કેલ બનતો હતો. જેના કારણે સવાલોના જવાબ દરમિયાન ગૂંચવણભરી સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટનાએ ટીપી વિભાગની કામગીરી, નિર્ણય પ્રક્રિયા અને પારદર્શકતા અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે. સામાન્ય સભામાં બનેલા આ ઘટનાક્રમ બાદ કોર્પોરેશનના વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટના રાજકીય અને કોર્પોરેશન વર્તુળોમાં આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.











