પાકિસ્તાનના બન્નુમાં આતંકીઓનો કાળો કેર: બેક-ટુ-બેક આઇઇડી બ્લાસ્ટમાં 7 ના કરુણ મોત, વાહનોના ફુરચા ઉડ્યા

પાકિસ્તાનનો અશાંત ખૈબર પખ્તુનખ્વા (KP) પ્રાંત ફરી એકવાર ભયાનક આતંકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યો છે. બન્નુ જિલ્લામાં આતંકવાદીઓએ એક પછી એક બે રિમોટ-કંટ્રોલ બ્લાસ્ટ (IED) કરીને લોહીયાળ ખેલ ખેલ્યો છે. આ કાયરતાપૂર્ણ હુમલામાં બે ખાનગી વાહનોના ફુરચા ઉડી ગયા હતા. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા..જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સ્થાનિક પોલીસ પ્રશાસને આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી નિંદા કરી છે.

પ્રથમ વિસ્ફોટ: મુસાફરો ભરેલી ગાડીને નિશાન બનાવી

બન્નુ જિલ્લાના વજીર સબ-ડિવિઝન હેઠળ આવતા પહાડી અને અર્ધ-જનજાતીય વિસ્તાર ‘મરકા બેરા’ના ફાંગ મૂસા ખેલ ગામમાં આ હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. બન્નુના ડિસ્ટ્રિક્ટ પોલીસ ઑફિસર (DPO) યાસિર અફરીદીના જણાવ્યા અનુસાર, પ્રથમ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ડેટસન કંપનીનું એક ખાનગી વાહન મુસાફરોને લઈને ડોમેલ તરફ જઈ રહ્યું હતું. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, વાહન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું અને તેમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ ગયા હતા.

બીજો વિસ્ફોટ: ઘાયલોને હોસ્પિટલ લઈ જતી વખતે બીજો ઘા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પ્રથમ બ્લાસ્ટની ભયાનકતા બાદ આસપાસના લોકો ઘાયલોને બચાવવા દોડી આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ ઘટનાસ્થળથી માત્ર એક કિલોમીટર દૂર આતંકીઓએ બીજો રિમોટ કંટ્રોલ બ્લાસ્ટ કર્યો હતો. માનવતાને શર્મસાર કરતા આ બીજા વિસ્ફોટમાં અન્ય એક વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.. અને વધુ 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

સર્ચ ઓપરેશન અને રાહત કામગીરી

  • તાત્કાલિક બચાવ: ઘટનાની જાણ થતાં જ ‘રેસ્ક્યુ 1122’ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ મૃતદેહો અને ઘાયલોને તાત્કાલિક ડોમેલ રૂરલ હેલ્થ સેન્ટર અને ખલીફા ગુલ નવાઝ ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • સુરક્ષા બંદોબસ્ત: સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. અને અન્ય કોઈ સંભવિત આઇઇડી (IED) શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

  • રાષ્ટ્રપતિની નિંદા: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ હુમલાની સખત શબ્દોમાં આલોચના કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

બન્નુમાં સતત વણસતી સ્થિતિ: તાજેતરની ઘટનાઓ

બન્નુના પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં ચિંતાજનક વધારો થયો છે:

તારીખ / સમયગાળો

ઘટનાની વિગત

એક સપ્તાહ પહેલા

મિર્યાન રોડ પર આવેલા ‘તેરી રામ બ્રિજ’ને વિસ્ફોટકોથી ઉડાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ થયો.

12 જૂન

બન્નુમાં ટાર્ગેટ કિલિંગની બે અલગ-અલગ ઘટનાઓમાં બે પોલીસકર્મીઓ શહીદ થયા.

ગયો મહિનો

સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 25 આતંકવાદીઓ ઠાર કરાયા, જ્યારે 2 પોલીસ અને 2 નાગરિકોના પણ મોત થયા હતા.

નોંધ: આ વિસ્તારમાં સક્રિય પ્રતિબંધિત સંગઠનો દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકોને ડરાવવા માટે આવા હુમલાઓ અવારનવાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE