સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થતા હોય છે જે યુઝર્સને ચોંકાવી દે છે. હાલમાં ચીનમાંથી એક એવો જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેણે સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ યુઝર્સનો ગુસ્સો ભડકાવ્યો છે. ચીનમાં બનેલી એક નાની, શ્યામ રંગની ઢીંગલી (ડોલ) અત્યારે સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા અને વિવાદનો વિષય બની છે. ‘નતાશા’ નામની આ ડોલના વીડિયો વાયરલ થતાં જ દુનિયાભરમાં રંગભેદ (નસ્લવાદ) અને હિંસાને લઈને એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે.
વ્યૂઝ મેળવવાની ઘેલછામાં કેટલાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આ ઢીંગલી સાથે એવા વીડિયો બનાવી રહ્યા છે, જે જોઈને કોઈપણ વિચલિત (Disturbing) થઈ શકે છે.
શું છે આ ‘નતાશા ડોલ’?
ચીની મીડિયા અહેવાલો અનુસાર, ‘નતાશા’ વાસ્તવમાં એક નાના બાળકના કદનું ‘સ્ક્વીઝ ટોય’ (દબાવી શકાય તેવું રમકડું) છે. આ રમકડું સ્લો-રાઇઝિંગ મેમરી ફોમ અથવા સોફ્ટ થર્મોપ્લાસ્ટિક રબરથી બનેલું છે. જેનો ઉપયોગ લોકો સામાન્ય રીતે માનસિક તણાવ મુક્તિ (Stress Relief) માટે કરે છે. તેનો આકાર આબેહૂબ એક શ્યામ રંગના નાના બાળક જેવો રાખવામાં આવ્યો છે.
વિવાદનું અસલી કારણ: તણાવ મુક્તિના નામે ક્રૂરતા?
આ રમકડું વિવાદમાં ત્યારે આવ્યું જ્યારે સોશિયલ મીડિયા પર તેની સાથે કરવામાં આવતી હરકતોના વીડિયો સામે આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે:
-
કેટલાક લોકો સ્ટ્રેસ રિલીફના નામે આ ઢીંગલીને ચપ્પુથી કાપી રહ્યા છે.
-
તેના શરીરમાં સોય ભોંકવામાં આવી રહી છે.
-
તેને નિર્દયતાથી ફટકારવામાં, ખેંચવામાં અને ફેંકવામાં આવી રહી છે.
એક શ્યામ રંગના બાળકની પ્રતિકૃતિ સમાન રમકડા સાથે ઓનલાઈન મનોરંજનના નામે થઈ રહેલી આ હિંસા સામે લોકોએ સખત વાંધો ઉઠાવ્યો છે. ટીકાકારોનું કહેવું છે કે આ પ્રકારની હરકતો અજ્ઞાતપણે વંશીય હિંસા (Racial Violence) અને નસ્લવાદને પ્રોત્સાહન આપી રહી છે.
કેવી રીતે શરૂ થયો આ આખો મામલો?
આ વિવાદની શરૂઆત એક ચીની વ્લોગરથી થઈ હતી. તેણે મજાક-મજાકમાં આ રમકડાને પોતાની દીકરીની જેમ રાખ્યું અને તેનું નામ ‘નતાશા’ આપ્યું. એક દિવસ બ્લોગિંગ દરમિયાન અકસ્માતે આ ઢીંગલી તેના હાથમાંથી નીચે પડી ગઈ અને તેનો ચહેરો તેમજ આકાર બગડી ગયો. બસ, આ નાનકડી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
ત્યારબાદ વ્યુઝ અને લાઈક્સ મેળવવાની હોડમાં અન્ય લોકોએ પણ નતાશા ડોલ સાથે ક્રૂર અને અસહજ કહી શકાય તેવા વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું.
મોટો સવાલ: ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોઝે હવે વૈશ્વિક સ્તરે ડિજિટલ મનોરંજનની મર્યાદાઓ અને સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Post Views: 0











