કોઈ ઠાઠ-માઠ નહીં, કોઈ VIP ટ્રીટમેન્ટ નહીં! ગંગા કિનારે ચાદર બિછાવીને સૂઈ ગયા કોમેડી કિંગ, સુનિલ ગ્રોવરની સાદગીએ જીત્યા દિલ

કોમેડિયન અને એક્ટર સુનિલ ગ્રોવર તેમની રમુજી જોક્સ અને સરળ સ્વભાવ માટે જાણીતા છે. એક્ટર જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે લોકોને ખૂબ હસાવે છે. સોશિયલ મીડિયા પર પણ સુનિલ ગ્રોવર ખૂબ એક્ટિવ રહે છે. તેમની અતરંગી રીલ્સ અવારનવાર વાયરલ થતી રહે છે. ક્યારેક તેઓ શાકભાજી વેચતા, ક્યારેક પહાડોમાં ફરતા તો ક્યારેક ખેતરોમાં પાવડો ચલાવતા જોવા મળે છે. તેમના આ વીડિયો ફેન્સને ક્યારેક ચોંકાવી દે છે. તો ક્યારેક આશ્ચર્યચકિત થઈને ફેન્સ તેમના જોરદાર વખાણ કરવા લાગે છે. તાજેતરમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. એક્ટરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની સાદગીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. સામે આવેલા વીડિયોમાં એક્ટર ગંગા કિનારે એક ઘાટ પર સૂતા જોવા મળી રહ્યા છે. તેમણે આ ક્લિપ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘તારે જમીન પર’ કેપ્શન સાથે શેર કરી છે.

સુનિલનો અંદાજ લોકોને પસંદ આવ્યો

સોશિયલ મીડિયા પર આ વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે અને લોકો તેમના સાદગીભર્યા અંદાજના વખાણ કરી રહ્યા છે. તેમને ભીડમાં અન્ય લોકોની વચ્ચે સૂતા જોઈ શકાય છે. તે જગ્યાનું શાંત વાતાવરણ અને તેમની સાદગીએ ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો ઋષિકેશમાં શૂટ કરાયો હતો કે, હરિદ્વારમાં, તે હજી સ્પષ્ટ થયું નથી. વીડિયોમાં તમે સુનિલ ગ્રોવરને એક રંગીન ચાદર પર ઓલિવ શર્ટ અને શોર્ટ્સ પહેરીને સૂતા જોઈ શકો છો. તેમની આસપાસ ઘણા લોકો જોવા મળી રહ્યા છે. તેઓ પણ એક્ટરની જેમ જ જમીન પર સૂતા છે. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે, સુનિલ ગ્રોવરના જ કોઈ સાથીએ આ પળને કેમેરામાં કેદ કરી છે.

ઇન્ટરનેટ પર લોકોની પ્રતિક્રિયાઓ

આ વીડિયો જોયા બાદ ફેન્સે કોમેન્ટ સેક્શનમાં પ્રેમભર્યા મેસેજીસનો વરસાદ કરી દીધો. એક યુઝરે લખ્યું, ‘એટલા માટે જ તમે આટલા પસંદ કરવામાં આવો છો.’ બીજા કોઈએ કહ્યું, ‘દુનિયાના સૌથી શ્રેષ્ઠ એક્ટર.’ વધુ એક યુઝરે લખ્યું, ‘બેસ્ટ એક્ટર.’ અન્ય કોમેન્ટ્સમાં લખ્યું હતું, ‘ભગવાન તમારું ભલું કરે સર, શું માણસ છે યાર!’ ઘણા ઇન્ટરનેટ યુઝર્સે સુનિલ ગ્રોવરને જમીન સાથે જોડાયેલા (ડાઉન ટુ અર્થ) માણસ પણ કહ્યા. આ બધી કોમેન્ટ્સની વચ્ચે કેટલીક રમુજી કોમેન્ટ્સ પણ જોવા મળી, જેમાં એક વ્યક્તિએ લખ્યું, ‘ગુત્થીને કપિલે ભગાડી દીધી કે શું?’. તો વળી અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘ગરીબોની પણ કંઈક પ્રાઇવસી હોય છે, તેમને સૂવા દો.’

સુનિલ ગ્રોવર વિશે

સુનિલ ગ્રોવર તેમની સ્ટેજ કોમેડી અને ભજવેલા પાત્રો માટે જાણીતા છે. ઇન્ડિયન ટેલિવિઝન પર તેમના અનોખા પાત્રો ‘ગુત્થી’ અને ‘ડો. મશહૂર ગુલાટી’ને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેઓ નેટફ્લિક્સના અત્યંત લોકપ્રિય શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ માટે પોતાના જૂના કો-સ્ટાર્સ સાથે ફરીથી જોડાયા છે. વર્ષોથી ગ્રોવરે પોતાના અનોખા અંદાજથી દર્શકો સાથે એક મજબૂત સંબંધ બનાવ્યો છે. તાજેતરમાં તેમની મિમિક્રી (નકલ) પણ ચર્ચાના કેન્દ્રમાં આવી હતી.તેઓ આમિર ખાન, ગુલઝાર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારોની આબેહૂબ નકલ કરવામાં પાવરધા છે. તેમણે ‘સનફ્લાવર’ જેવી વેબ સીરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને શાહરૂખ ખાનની ‘જવાન’, અક્ષય કુમારની ‘ગબ્બર ઇઝ બેક’ અને સલમાન ખાનની ‘ભારત’ જેવી ફિલ્મોમાં મહત્વના રોલ પણ કર્યા છે. હાલના દિવસોમાં સુનિલ પાસે ઘણા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE