પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમના શિરે બંધાયો શરમજનક રેકોર્ડ: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ખેલાડીઓ રન આઉટ

એજબેસ્ટન:આઈસીસી (ICC) મહિલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત ૧૨ જૂનથી થઈ ચૂકી છે, જેમાં અત્યાર સુધી ગ્રુપ-એ અને ગ્રુપ-બી બંનેને મળીને કુલ ૧૧ મેચ રમાઈ ગઈ છે. ૧૭ જૂનના રોજ એજબેસ્ટનના મેદાન પર દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનો અંત ખૂબ જ રોમાંચક રહ્યો હતો. આ મેચમાં આફ્રિકાની ટીમે ૧૨૭ રનના ટાર્ગેટનો પીછો કરતા એક સમયે ૯૩ રન પર પોતાની અડધી ટીમ ગુમાવી દીધી હતી, પરંતુ અંતે તેઓ મેચ જીતવામાં સફળ રહ્યા હતા.

બીજી તરફ, પાકિસ્તાનની મહિલા ટીમે ફરી એકવાર બેટિંગમાં અત્યંત ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ પાકિસ્તાનના નામે મહિલા ટી૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં એક એવો શરમજનક રેકોર્ડ નોંધાયો છે જે આ પહેલા ભારતીય ટીમના નામે હતો. મહિલા ટી૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં હવે પાકિસ્તાન એવી ટીમ બની ગઈ છે જેના સૌથી વધુ ખેલાડીઓ રન આઉટ થયા હોય.

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ૪ ખેલાડીઓ રન આઉટ થયા

પાકિસ્તાનની પુરુષ ટીમ હોય કે મહિલા ટીમ, રન આઉટ થવાની બાબતમાં તેમનો રેકોર્ડ હંમેશા ખરાબ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પાકિસ્તાની મહિલા બેટ્સમેનો વચ્ચે પરસ્પર તાલમેલ (Coordination) ખૂબ જ નબળો જોવા મળ્યો હતો, જેના કારણે તેમના ૪ ખેલાડીઓ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. આ સાથે જ પાકિસ્તાન મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન આઉટ થનારી ટીમની યાદીમાં ભારતને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. પાકિસ્તાનના અત્યાર સુધીમાં કુલ ૪૧ ખેલાડીઓ રન આઉટ થયા છે, જ્યારે ભારતીય મહિલા ટીમ ૪૦ ખેલાડીઓ સાથે હવે બીજા ક્રમે છે.

મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન આઉટ થનારી ટીમો:

  • પાકિસ્તાન મહિલા ટીમ – ૪૧ ખેલાડીઓ

  • ભારતીય મહિલા ટીમ – ૪૦ ખેલાડીઓ

  • શ્રીલંકા મહિલા ટીમ – ૩૯ ખેલાડીઓ

  • વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ – ૩૮ ખેલાડીઓ

  • ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ – ૩૫ ખેલાડીઓ

સતત બીજી હાર સાથે સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બન્યું

મહિલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં પાકિસ્તાનની ટીમની આ સતત બીજી હાર છે. પ્રથમ મેચમાં ભારત સામે પાકિસ્તાનને ૬૪ રને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે હવે દક્ષિણ આફ્રિકા સામે ૨ વિકેટે પરાજય થયો છે. આ સતત બે હારના કારણે પાકિસ્તાન માટે ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધવું ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

તેમની આગામી મેચ મજબૂત ઓસ્ટ્રેલિયા સામે થવાની છે, જે બિલકુલ સરળ નહીં હોય. હાલમાં ગ્રુપ-એમાં પાકિસ્તાની મહિલા ટીમ પાંચમા સ્થાને છે અને હજુ સુધી તેમનું પોઇન્ટ ટેબલ પર ખાતું પણ ખુલ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE