અમરેલીમાં કાળજું કંપાવતી ઘટના: વતન જવા નીકળેલા યુવકનો સિંહણે કર્યો માનવ શિકાર, ઘટનાસ્થળેથી માત્ર ખોપરી મળી!

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી એક ચોંકાવનારી અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. કોવાયા ગામ નજીક એક સિંહણે યુવક પર હિંસક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ભયાનક ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

મધરાતે વતન જવા નીકળ્યો ને સિંહણનો ભોગ બન્યો

આ કરૂણ ઘટના કોવાયા ગામ નજીક આવેલા ટીપીપી (TPP) પાવર પ્લાન્ટની સામે ઘટી હતી. અહીં આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતો અને મૂળ ઉત્તરાખંડનો વતની પ્રકાશ ચંદ્ર નામનો યુવક મોડી રાત્રે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન અચાનક એક હિંસક સિંહણે તેના પર ત્રાટકીને હુમલો કર્યો હતો. સિંહણ યુવકને ઢસડીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધો હતો.

ઘટનાસ્થળેથી માત્ર ખોપરી અને અવશેષો મળ્યા

ઘટના એટલી ભયાનક હતી કે સિંહણના હુમલાનો ભોગ બનેલા આ કમનસીબ યુવકની માત્ર ખોપરી અને શરીરના કેટલાક ટુકડા (અવશેષો) જ મળી આવ્યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને સ્થાનિક ગ્રામજનો અને વનવિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

5 દિવસમાં બીજી ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ

સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા માત્ર ૫ જ દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના છે. આમ, ટૂંકા ગાળામાં જ બે માનવ જિંદગીઓ સિંહોના શિકારમાં હોમાઈ ગઈ છે. કોવાયા અને આસપાસના સીમ વિસ્તારમાં સિંહોની અવરજવર સતત વધી રહી હોવાથી શ્રમિકો અને ગ્રામજનો વહેલી સવારે કે રાત્રે બહાર નીકળતા ભારે ડર અનુભવી રહ્યા છે.

વનવિભાગ દ્વારા એક સિંહ ટ્રાન્ક્વિલાઈઝ કરાયો

આ ગંભીર ઘટના બાદ વનવિભાગ દ્વારા આસપાસના સીમ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્કેનિંગ દરમિયાન વનવિભાગને અહી ૪ સિંહોના એક આખા ગ્રુપની હાજરી હોવાની વિગતો મળી હતી.

વનવિભાગના એસીએફ (ACF) વિરલસિંહ ચાવડાએ જણાવ્યું કે: “આ વિસ્તારમાં ૪ સિંહોનું ગ્રુપ સક્રિય હતું. માનવ હુમલાની આ ગંભીર ઘટનાને પગલે વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમાંથી ૧ સિંહને બેભાન (ટ્રાન્ક્વિલાઈઝ) કરીને પાંજરે પૂર્યો છે. જ્યારે ગ્રુપના અન્ય સિંહોને પકડવા માટે વ્યાપક રેસ્કયૂ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. સ્થાનિકોને અપીલ છે કે સિંહોની અવરજવર વાળા વિસ્તારમાં વનવિભાગને જાણ કરીને જ આગળ વધવું જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય.”

ધારાસભ્ય હીરા સોલંકીની સરકારમાં ધારદાર રજૂઆત

રાજુલા-જાફરાબાદના સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ સિંહોના માનવીઓ પર વધી રહેલા હિંસક હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ સમગ્ર મામલે ગાંધીનગર ખાતે સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. હીરા સોલંકીએ જણાવ્યું કે, વિસ્તારમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તે જોતાં વનવિભાગમાં પૂરતો સ્ટાફ હોવો અનિવાર્ય છે. તેમણે વન્યજીવોના યોગ્ય મોનિટરિંગ અને માનવ જિંદગીઓ બચાવવા માટે વનવિભાગમાં તાત્કાલિક ધોરણે સ્ટાફની સંખ્યા વધારવા સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE