માણાવદરમાં સેવાભાવી અનસૂયાબેન શેઠની અનોખી લોકસેવા: છેલ્લા 5 વર્ષથી ગીર ગાયની અમૃત સમાન શુદ્ધ છાશનું કરાય છે વિનામૂલ્યે વિતરણ

માણાવદરમાં આવેલ ‘અનસૂયા ગૌધામ’ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પ્રશંસનીય ગૌસેવા અને જનસેવાનો ત્રિવેણી સંગમ રચાયો છે. અહીં સ્થાનિકો અને જરૂરિયાતમંદ લોકો માટે ગીર ગાયના દૂધમાંથી બનેલી શુદ્ધ અને પવિત્ર છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ ભગીરથ સેવાનો લાભ અત્યાર સુધીમાં હજારો લોકો લઈ ચૂક્યા છે અને વર્તમાન સમયમાં પણ આ સેવા યજ્ઞ કોઈ પણ અટકાવ વગર અવિરતપણે ચાલી રહ્યો છે.

સ્થાનિક રહેવાસી ઉમેદસિંહ ચુડાસમાએ ગૌધામની આ વિશિષ્ટ સેવા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “બજારમાં કે ગામમાં ગમે એટલા પૈસા ખર્ચવા છતાં પણ આવી પવિત્ર અને શુદ્ધ છાશ ક્યાંય મળતી નથી. બજારમાં સામાન્ય રીતે મળતી છાશ પાણીવાળી હોય છે.જ્યારે અનસૂયા ગૌધામમાં કોઈપણ જાતની ભેળસેળ કે પાણી ઉમેર્યા વગર ગીર ગાયની એકદમ ઓરિજિનલ અને ઘટ્ટ છાશ લોકોને મફતમાં આપવામાં આવે છે.” આ નિઃસ્વાર્થ ગૌસેવાના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દરરોજ આશરે 100થી 150 જેટલા લોકો આ છાશનો લાભ લેવા માટે ગૌધામ ખાતે ઉમટી પડે છે.

આ અવિરત સેવા પાછળ રહેલા પ્રેરણારૂપ સેવાભાવી અનસૂયાબેન શેઠે જણાવ્યું હતું કે, ગીર ગાયની છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ અને પીવામાં અમૃત જેવી મીઠી હોય છે. ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પૂરતી ઠંડક અને ઉત્તમ પોષણ મળી રહે તેવા શુદ્ધ આશયથી આ છાશનું વિતરણ તદ્દન મફત કરવામાં આવે છે. ભયંકર ગરમી વચ્ચે મળતી ગીર ગાયની આ ઓરિજિનલ છાશ સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને અનસૂયાબેનની આ નિઃસ્વાર્થ લોકસેવાને સમગ્ર પંથકના લોકો આદરપૂર્વક બિરદાવી રહ્યા છે.

તસવીર અહેવાલ: જીજ્ઞેશ પટેલ (માણાવદર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE