લુણાવાડા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પ્રભારી મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર અને દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા, મોટા સોનેલા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ અને યશસ્વી કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે જન કલ્યાણ શિબિર તથા નિઃશુલ્ક દિવ્યાંગજન સાધન સહાય વિતરણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા નિગમ સામાજિક દાયિત્વ (CSR) અંતર્ગત યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના ૫૮૮ દિવ્યાંગ લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ કુલ ૭૮૮ જેટલી સહાયક સાધન કીટોનું વિતરણ કરી તેમને સ્વાવલંબી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી પી.સી. બરંડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના શાસનકાળ દરમિયાન દેશના ગરીબ, આદિવાસી અને મહિલાઓ સહિત સમાજના તમામ વર્ગોના સર્વાંગી ઉત્થાન માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બની છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે ભારત આજે વિશ્વ સ્તરે એક નવી અને મજબૂત ઓળખ સાથે ઉભરી આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી અને વિવિધ અત્યાધુનિક કોરિડોરના નિર્માણ જેવા રાષ્ટ્રહિતના ઐતિહાસિક નિર્ણયો ૧૪૦ કરોડ ભારતીયો માટે ગૌરવની બાબત છે. સરકારના આ મજબૂત નેતૃત્વને કારણે આજે દેશવાસીઓમાં નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો છે.

મંત્રીએ દિવ્યાંગ સશક્તિકરણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ફળ આજે સમાજના છેવાડાના માનવી સુધી સીધા જ પહોંચી રહ્યા છે. આજનો આ સાધન સહાય વિતરણ કાર્યક્રમ તેનું જીવંત ઉદાહરણ છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વ્હીલચેર, શ્રવણ યંત્ર અને અન્ય સહાયક સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંત્રીએ જન કલ્યાણ શિબિર અંતર્ગત ઉભા કરવામાં આવેલા વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ વિવિધ લોકકલ્યાણકારી સેવાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમના અંતે પ્રભારી મંત્રીએ સમગ્ર જિલ્લાવાસીઓ વતી વડાપ્રધાને તેમના ભવ્ય કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમના નેતૃત્વમાં દેશ ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરે તેવી મંગલ કામના કરી હતી.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ સહિતના મહાનુભાવો, વિવિધ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ :આસીફ, લુણાવાડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE