મ્યાનમારમાં રવિવારે એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં 45 થી વધુ લોકોના મોત થયા. આ ઘટના નામખામ ટાઉનશિપના કાઉંગટુપ ગામમાં બની હતી. આ સ્થળ ઉત્તર-પૂર્વી મ્યાનમારના શાન રાજ્યમાં આવેલું છે. જે ચીન સરહદથી લગભગ 3 કિલોમીટર દક્ષિણમાં છે. બપોરે થયેલા આ ધડાકામાં 45 થી 55 લોકોના મોત થયા હોવાની આશંકા છે. કેટલાય અહેવાલોમાં બાળકો સહિત 46 મૃતદેહો મળી આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આશરે 70 થી 74 લોકો ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. આ વિસ્ફોટમાં 100 થી વધુ ઘરોને નુકસાન થયું છે અને આસપાસના વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, એક ઈમારતમાં માઇનિંગ (ખનન) માટે ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. આ જથ્થો ‘તાઆંગ નેશનલ લિબરેશન આર્મી’ (TNLA) ના આર્થિક વિભાગ દ્વારા સંગ્રહિત કરવામાં આવ્યો હતો. TNLA એ એક સ્થાનિક સશસ્ત્ર જૂથ છે. જે આ વિસ્તાર પર પોતાનું નિયંત્રણ ધરાવે છે. હાલ બ્લાસ્ટ થવાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે.
માઇનિંગ માટે રાખવામાં આવ્યો હતો વિસ્ફોટક
TNLA એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, આ વિસ્ફોટકો ખનન અને પથ્થરની ખાણોના કામ માટે રાખવામાં આવ્યા હતા. હથિયારો બનાવવા માટે નહીં. આ ઘટના મ્યાનમારના એવા અશાંત વિસ્તારમાં બની છે. જ્યાં સેના અને વિવિધ વંશીય સશસ્ત્ર જૂથો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.
100 થી વધુ ઘરોને નુકસાન
બચાવકર્મીઓ અને સ્વતંત્ર મીડિયા અહેવાલો અનુસાર, ઉત્તર-પૂર્વી મ્યાનમારમાં એક બિલ્ડિંગમાં થયેલા વિસ્ફોટમાં 45 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા એક બચાવકર્મીએ જણાવ્યું કે રવિવાર સાંજ સુધીમાં 6 બાળકો સહિત 46 લાશો બહાર કાઢવામાં આવી હતી અને તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી હતી. બચાવકર્મીએ ઉમેર્યું કે 74 ઘાયલ લોકોને ટાઉનશિપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નામખામના અન્ય એક બચાવકર્મીના જણાવ્યા અનુસાર, અંદાજે 40 લોકોના મોત થયા છે અને બ્લાસ્ટ વાળી જગ્યાની આસપાસના 100 થી વધુ ઘરો સંપૂર્ણ કે આંશિક રીતે નાશ પામ્યા છે.
ઇમારતોનો કાટમાળ જોવા મળ્યો
મ્યાનમારના સ્થાનિક મીડિયા આઉટલેટ્સે મૃત્યુઆંક 50 થી 55 ની વચ્ચે હોવાનું જણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર વિસ્ફોટ બાદ નીકળતો ધુમાડો અને તૂટી પડેલી ઇમારતોના કાટમાળના ફોટો અને વીડિયો પણ શેર કર્યા છે. ચીનના સરકારી બ્રોડકાસ્ટર CCTV એ અહેવાલ આપ્યો છે કે આ બ્લાસ્ટમાં ઘણા લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પરંતુ તેમણે કોઈ ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. પ્રાથમિક તપાસ મુજબ, વિસ્ફોટ એ જગ્યાએ થયો જ્યાં માઇનિંગના કામ માટે મોટા પ્રમાણમાં વિસ્ફોટકો સંગ્રહિત કરાયા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, સ્થાનિક અધિકારીઓ હાલ અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી, તબીબી સારવાર અને પુનર્વસનમાં મદદ કરી રહ્યા છે.
બળવાખોર જૂથ છે TNLA
જેલિગ્નાઈટ (Jelignite) નો ઉપયોગ માઇનિંગ અને રોક બ્લાસ્ટિંગમાં મોટા પાયે થાય છે. પરંતુ સમય જતાં અને જો તેને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે, તો તે અત્યંત જોખમી અને ઘાતક બની જાય છે. TNLA એ બળવાખોર ‘થ્રી બ્રધરહુડ એલાયન્સ’ નું સભ્ય છે. વર્ષ 2023 ના અંતમાં જ્યારે આ એલાયન્સ અને તેના સાથીઓએ ઉત્તર-પૂર્વી મ્યાનમારમાં સેના સામે મોટો હુમલો કર્યો હતો.ત્યારથી નામખામ વિસ્તાર પર આ જૂથનો કબજો છે.
આ એલાયન્સના સભ્યો અને અન્ય વંશીય સશસ્ત્ર જૂથો લાંબા સમયથી વધુ સ્વાયત્તતા (Autonomy) માટે લડી રહ્યા છે. TNLA એ ગત વર્ષે ઓક્ટોબરમાં ચીનની મધ્યસ્થતામાં થયેલી વાતચીત બાદ મ્યાનમારની સેના સાથે યુદ્ધવિરામ (Ceasefire) પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ બંને વચ્ચેના સંબંધો હજુ પણ તણાવપૂર્ણ છે.
પૃષ્ઠભૂમિ: 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ જ્યારે સેનાએ આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લીધી, ત્યારથી મ્યાનમારમાં અરાજકતાનો માહોલ છે. શાંતિપૂર્ણ પ્રદર્શનોને સૈન્ય શાસને હિંસક રીતે દબાવી દીધા બાદ, ઘણા વિરોધીઓએ હથિયાર ઉપાડી લીધા છે અને હાલમાં દેશનો મોટો હિસ્સો આ ભીષણ આંતરિક યુદ્ધમાં હોમાઈ ગયો છે.
Post Views: 21










