RCBએ ઇતિહાસ દોહરાવ્યો: ગુજરાત ટાઇટન્સને હરાવીને સતત બીજી વખત આઇપીએલ ટ્રોફી પર કર્યો કબ્જો, વિરાટ કોહલી ફાઇનલમાં ચમક્યો!

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), જે આઇપીએલ (IPL)માં ૧૭ વર્ષ સુધી ખિતાબ જીતવામાં સફળ રહી ન હતી, તેણે વર્ષ ૨૦૨૫માં જ્યાં પહેલીવાર આ ટ્રોફી પોતાના નામે કરી હતી. ત્યાં જ હવે આ ટાઇટલને ડિફેન્ડ કરવાની સાથે સતત બીજી વખત વિજેતા બનવામાં સફળતા મેળવી છે. આઇપીએલ ૨૦૨૬ની સીઝનમાં રજત પાટીદારની કેપ્ટનશીપમાં રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમનો ફાઇનલ મેચમાં સામનો ગુજરાત ટાઇટન્સની ટીમ સામે હતો. જેમાં તેમને ૧૫૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને તેમણે ૧૮ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ મેચમાં વિરાટ કોહલીના બેટથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, જેમણે ટાર્ગેટનો પીછો કરતી વખતે અદભુત અડધી સદીની ઇનિંગ રમી હતી.

કોહલીએ એક છેડો સાચવી રાખ્યો, વેંકટેશ અય્યરે રમી તોફાની ઇનિંગ

ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચમાં આરસીબીની ટીમને જીત મેળવવા માટે માત્ર ૧૫૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરવા માટે તેમની તરફથી વિરાટ કોહલી સાથે વેંકટેશ અય્યરની જોડી ઓપનિંગ કરવા ઉતરી હતી. આ બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે માત્ર ૪.૩ ઓવરમાં ૬૨ રનની ભાગીદારી જોવા મળી હતી. આ ભાગીદારીના દમ પર આરસીબીએ શરૂઆતમાં જ આ ફાઇનલ મેચને એકતરફી બનાવી દીધી હતી. વેંકટેશ અય્યર ૧૬ બોલમાં ૩૨ રનની ઇનિંગ રમીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યા હતા. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલા દેવદત્ત પડિક્કલ કંઈ ખાસ કમાલ ન કરી શક્યા અને માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયા. જ્યારે આરસીબીના કેપ્ટન રજત પાટીદાર ૧૫ રન અને કૃણાલ પંડ્યા પણ માત્ર એક રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા.

વિરાટ-ડેવિડે ઇનિંગ સંભાળી, આરસીબીએ મેળવી આસાન જીત

આરસીબીની ટીમે ટાર્ગેટનો પીછો કરતા ૯૧ રનના સ્કોર સુધી પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ વિરાટ કોહલી, જેઓ એક છેડો સાચવીને રમતા હતા, તેમને ટિમ ડેવિડનો સાથ મળ્યો. બંને વચ્ચે આ મેચમાં પાંચમી વિકેટ માટે ૪૧ રનની ભાગીદારી જોવા મળી હતી. ટિમ ડેવિડ આ મેચમાં ૨૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. વિરાટ કોહલીના બેટથી ફાઇનલમાં ૭૫ રનની અણનમ ઇનિંગ જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી ફાઇનલ મેચમાં બોલિંગમાં રાશિદ ખાને ૨ જ્યારે સિરાજ, અરશદ ખાન અને રબાડાએ એક-એક વિકેટ ઝડપી હતી.

જીટી તરફથી માત્ર સુંદરે બેટથી કમાલ બતાવ્યો

આઇપીએલ ૨૦૨૬માં ગુજરાત ટાઇટન્સની ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી, જેમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન, જેમની પાસેથી સૌથી વધુ સારા પ્રદર્શનની આશા હતી, તેમણે સંપૂર્ણપણે નિરાશ કર્યા હતા. બંને શરૂઆતની ૬ ઓવરની રમત પૂરી થાય તે પહેલા જ પેવેલિયન પરત ફરી ગયા હતા. ત્યારબાદ જીટી તરફથી માત્ર વોશિંગ્ટન સુંદર જ એવા ખેલાડી રહ્યા જેમણે ૩૭ બોલમાં ૫૦ રનની ઇનિંગ રમી હતી, જ્યારે અન્ય કોઈ પણ બેટ્સમેન ૨૦ રનથી વધુનો આંકડો વટાવવામાં સફળ રહ્યો ન હતો. આરસીબી તરફથી આ મેચમાં બોલિંગમાં રસિક સલામ ડારે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે ૨-૨ તેમજ કૃણાલ પંડ્યા એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

Leave a Comment

READ MORE

READ MORE