ગીર સોમનાથ જિલ્લામાં જેમના નામથી લોકો ફફડતા હતા અને જે ટોળકી કાયદાને ખિસ્સામાં લઈને ફરતી હતી, તેવી ‘યાગી ગેંગ’ના સામ્રાજ્યને પોલીસે જડમૂળથી ઉખેડી નાખ્યું છે. ગીર સોમનાથ SP જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ ગુનેગાર ટોળકી વિરુદ્ધ ગુજરાતના સૌથી કડક કાયદા GUJCTOC (ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ) હેઠળ ગાળિયો કસતા ગુનાખોરીની દુનિયામાં ફફડાટ વ્યાપી ગયો છે
ઉનાના કોબ ગામનો કુખ્યાત નરેન્દ્ર ઉર્ફે યાગી બાંભણીયા અને તેની ટોળકી છેલ્લા એક દાયકાથી રક્તરંજિત ખેલ ખેલતી હતી. હત્યાના પ્રયાસો, વ્યાપક મારામારી, અને પોલીસ પર હુમલા કરવા જેવી હિંમત કરનારા આ ગુંડાઓ હવે કાયદાના સકંજામાં બરાબરના ફસાયા છે ટોળકીના ૭ સભ્યો સામે લૂંટ, રાયોટીંગ અને પ્રોહીબિશનના ૩૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. માત્ર ગેંગ લીડર યાગી એકલો જ ૧૯ ગુનાઓમાં સંડોવાયેલો છે નવાબંદર મરીન, ઉના અને કોડીનાર પોલીસની ઊંઘ હરામ કરનારી આ ટોળકીના સાગરીતોને પોલીસે દબોચી લીધા છે
આ ગેંગના ૩ મુખ્ય આરોપીઓ હાલ જેલમાં છે, પરંતુ GUJCTOC લાગુ પડતા હવે તેમની મુશ્કેલીઓ અનેકગણી વધી જશે. આ કાયદા હેઠળ જામીન મળવા અત્યંત મુશ્કેલ છે, એટલે કે હવે આ ગુંડાઓ લાંબો સમય જેલના સળિયા પાછળ સડશે. બાકી રહેલા ૨ આરોપીઓને પકડવા માટે એલ.સી.બી. (LCB) એ આકાશ-પાતાળ એક કર્યા છે.
ગુનેગારોને સીધો સંદેશ:
આ કાર્યવાહી દ્વારા ગીર સોમનાથ પોલીસે ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે: “જો સંગઠિત થઈને ગુનો આચરશો, તો પોલીસ ‘GUJCTOC’ ના હથિયારથી તમારો ગઢ ધ્વસ્ત કરી નાખશે.”
ઝડપાયેલા અને જેલમાં સડતા આરોપીઓ:
નરેન્દ્ર ઉર્ફે યાગી (મુખ્ય સૂત્રધાર) – ૧૯ ગુના (જેલમાં)
હાર્દિક ઉર્ફે હાદો – ૦૭ ગુના (જેલમાં)
મિલન બાંભણીયા – ૦૬ ગુના (હસ્તગત)
અક્ષય બાંભણીયા – ૦૪ ગુના (જેલમાં)
વિજય પરમાર – ૦૩ ગુના (હસ્તગત)
(નોંધ: રવિ અને કિર્તી નામના આરોપીઓ હાલ નાસતા ફરે છે, જેમને પોલીસ ટૂંક સમયમાં જેલભેગા કરશે.)
રિપોર્ટર :શબ્બીર સેલોત, કોડીનાર
Post Views: 29










