દિવસમાં એક્ટિંગ અને રાત્રે ભણવાનું! આ છે ફિલ્મી દુનિયાની ‘ડોક્ટર હસીના’, હવે કરી રહી છે NEET-PGની તૈયારી

ફિલ્મી દુનિયામાં એવા ઘણા સ્ટાર્સ છે. જેમણે પોતાની સારી એવી કારકિર્દી પાછળ છોડીને ફિલ્મો તરફ પ્રયાણ કર્યું છે. કોઈકે એન્જિનિયરિંગ તો કોઈકે ડોક્ટરનો વ્યવસાય છોડીને લાઈટ્સ, કેમેરા અને એક્શનનો હાથ પકડી લીધો.

આવા જ એક અભિનેત્રી શ્રીલીલા (Sreeleela) પણ છે. જેમણે માત્ર 24 વર્ષની ઉંમરે જ પોતાની MBBSની ડિગ્રી પૂરી કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર તેમની દીક્ષાંત સમારોહ (Convocation Ceremony) ની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. જેમાં તેઓ સત્તાવાર રીતે પોતાની MBBSની ડિગ્રી મેળવતા જોવા મળ્યા હતા.

એક્ટિંગની સાથે NEET-PGની તૈયારી

MBBSની ડિગ્રી પૂરી કર્યા બાદ હવે શ્રીલીલા NEET-PGની તૈયારી કરી રહી છે, જેની માહિતી અભિનેત્રીની માતા સ્વર્ણલતાએ આપી છે, જેઓ પોતે પણ એક ડોક્ટર છે. અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા: ધ રૂલ’ (Pushpa 2: The Rule) માં ‘કિસિક’ (Kissik) સોંગથી ભારે ચર્ચામાં આવેલી શ્રીલીલા હવે એક્ટિંગની સાથે-સાથે ભણવા પર પણ પૂરતું ધ્યાન આપી રહી છે અને જૂન મહિનામાં યોજાનારી NEET-PG પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે.

શ્રીલીલા સાઉથ સિનેમાની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તેણે 2019માં ફિલ્મ ‘કિસ’ (Kiss) થી ડેબ્યૂ કર્યું હતું. અને ત્યારબાદ ‘ધમાકા’ તથા ‘પેલી સંદદ’ જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી હતી. આ સિવાય તે ટૂંક સમયમાં જ કાર્તિક આર્યન સાથે એક રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, જોકે આ ફિલ્મની રિલીઝ ડેટ અને ટાઈટલ હજુ જાહેર થયા નથી.

ક્રિકેટર તિલક વર્મા સાથે ડેટિંગની અફવાઓ પર પૂર્ણવિરામ

શ્રીલીલા આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર અફવા છે કે, તે ભારતીય ક્રિકેટર તિલક વર્મા (Tilak Varma) ને ડેટ કરી રહી છે. જોકે, શ્રીલીલા અને ક્રિકેટર તિલક વર્મા વચ્ચે ડેટિંગની આ અફવાઓને તેમના પરિવાર અને ટીમ બંનેએ સખત શબ્દોમાં નકારી કાઢી છે.

અભિનેત્રીની માતા ડૉ. સ્વર્ણલતાએ સ્પષ્ટ કર્યું છે કે, આ વાતોમાં “બિલકુલ સત્ય નથી”. તેમણે જણાવ્યું કે, હાલમાં શ્રીલીલાનું સંપૂર્ણ ધ્યાન માત્ર તેના ભણતર અને આગામી NEET-PG એક્ઝામ પર જ છે.

“આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. અમને નથી ખબર કે આવી વાર્તાઓ ક્યાંથી વહેતી થાય છે. શ્રીલીલા અને તિલક વર્મા એકબીજાને ડેટ નથી કરી રહ્યા. તે અત્યારે તેની એક્ટિંગ કરિયર અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે.” — ડૉ. સ્વર્ણલતા (શ્રીલીલાની માતા)

તેમણે વધુમાં ઉમેર્યું કે, “તેની પાસે પર્સનલ લાઈફ માટે હજુ આગામી પાંચ-છ વર્ષ છે. કાર્તિક આર્યનની માતા અને હું બંને ગાયનેકોલોજિસ્ટ છીએ. મેડિકલ બેકગ્રાઉન્ડના કારણે અમારી મુલાકાતો થતી રહે છે. જેના લીધે લોકોએ શ્રીલીલા અને કાર્તિકનું નામ પણ જોડવાનું શરૂ કરી દીધું હતું.”

“બંને ક્યારેય મળ્યા પણ નથી” – ટીમનો સત્તાવાર ખુલાસો

શ્રીલીલાની માતા પહેલાં તેની ટીમે પણ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ અફવાઓનું ખંડન કર્યું હતું. ટીમે જણાવ્યું કે, “તિલક વર્મા અને શ્રીલીલાને લઈને જે અફવાઓ ફેલાઈ રહી છે તે તદ્દન પાયાવિહોણી છે. બંને ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા પણ નથી. વાતચીત તો બહુ દૂરની વાત છે. આવી મનઘડંત વાર્તાઓને તથ્યો વિના સોશિયલ મીડિયા પર શેર ન કરવી જોઈએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE