નેશનલ હાઈવે દ્વારા સરકાર એકત્ર કરશે ₹35,000 કરોડ! જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

કેન્દ્ર સરકારે દેશમાં નવા એક્સપ્રેસ-વે અને ચમકતા નેશનલ હાઈવે બનાવવા માટે ફંડ એકત્ર કરવાનો એક મેગા પ્લાન તૈયાર કર્યો છે. સરકાર દેશના 28 નેશનલ હાઈવે એસેટ્સ (National Highway Assets) નું મોનેટાઈઝેશન (Monetisation) કરવા જઈ રહી છે. જેના દ્વારા અંદાજે ₹35,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.સરળ શબ્દોમાં સમજીએ તો, આનો અર્થ એ બિલકુલ નથી કે સરકાર પોતાના હાઈવે ખાનગી હાથોમાં વેચી રહી છે. સરકાર પોતાના તૈયાર થઈ ગયેલા અને ચાલુ નેશનલ હાઈવે (જ્યાંથી પહેલાથી જ ટોલ ટેક્સ આવી રહ્યો છે) ને એક નિશ્ચિત સમયગાળા માટે ખાનગી કંપનીઓ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સને લીઝ (ભાડા) પર આપશે. જેના બદલામાં સરકારને એકસાથે મોટી રકમ મળી જશે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના આ પ્લાન હેઠળ કુલ 28 નેશનલ હાઈવે સ્ટ્રેચ (ભાગો) ની ઓળખ કરવામાં આવી છે. આ હાઈવેને ઓપરેટ-મેઇન્ટેન-ટ્રાન્સફર (OMT) અથવા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InVIT) દ્વારા મોનેટાઇઝ કરવામાં આવશે.જેનાથી સરકારી તિજોરીમાં સીધા ₹35,000 કરોડ આવશે. આ મોનેટાઈઝેશનથી જે પૈસા મળશે, તેનો ઉપયોગ સરકાર દેશના અંતરિયાળ વિસ્તારોમાં નવા હાઈવે બનાવવા, જૂના હાઈવેને 4-લેન કે 6-લેનમાં અપગ્રેડ કરવા અને લોજિસ્ટિક્સ કોસ્ટ (પરિવહન ખર્ચ) ઘટાડવા માટે કરશે. આનાથી સરકાર પર નવું વિદેશી દેવું લેવાનું દબાણ ઘટશે અને દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાના પગ પર ઊભું રહી શકશે.

સામાન્ય જનતાના મનમાં સવાલ એ હશે કે શું આનાથી ટોલ ટેક્સના દરો વધી જશે? તો તેનો જવાબ એ છે કે, ટોલના દરો સરકારના પહેલાથી નક્કી કરેલા નિયમો મુજબ જ ચાલે છે.ખાનગી કંપનીઓ પોતાની મરજીથી અચાનક ટોલ વધારી શકતી નથી. જોકે, ખાનગી કંપનીઓ આ હાઈવેની જાળવણી કરશે. તેથી વાહન ચાલકોને વધુ સારા રસ્તા, ખાડા-મુક્ત સફર, ક્વિક એમ્બ્યુલન્સ સર્વિસ અને હાઈવે પર શાનદાર સુવિધાઓ (Wayside Amenities) મળવાની આશા ચોક્કસપણે વધી જશે.

આ મોનેટાઈઝેશન પ્લાનનો એક મહત્વનો હિસ્સો ‘InVIT’ (Infrastructure Investment Trust) છે. જે મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરે છે. આના માધ્યમથી દેશના સામાન્ય નાના રોકાણકારો અને પેન્શન ફંડ્સ પણ સરકારી હાઈવે પ્રોજેક્ટ્સમાં નાણાં રોકીને નિયમિત વળતર કે વ્યાજના રૂપમાં કમાણી કરી શકે છે. એટલે કે, દેશની પ્રગતિ અને વિકાસના આ મોટા પ્રોજેક્ટમાં હવે સામાન્ય જનતા પણ સીધી ભાગીદાર બની શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE