સોશિયલ મીડિયાનો વિવાદ લોહિયાળ બન્યો: કાણોદરમાં ઇન્સ્ટાગ્રામ મુદ્દે યુવક પર જીવલેણ હુમલો, તબીબોએ મરણના મુખમાંથી ઉગાર્યો

બનાસકાંઠાના કાણોદર ગામમાં રમઝાન ઈદના પર્વ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. માત્ર ‘ઇન્સ્ટાગ્રામ’ એપ ડિલીટ કરવા જેવી મામૂલી બાબતે વકરેલી બોલાચાલીમાં 18 વર્ષીય સમીમ શેખ પર કરપીણ હુમલો કરવામાં આવ્યો હતો.જોકે, પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલના તબીબોએ સમયસૂચકતા વાપરી જટિલ સર્જરી દ્વારા યુવાનને નવજીવન આપ્યું છે.

આ પણ વાંચો :

મિર્ઝાપુરમાં ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધા: 11ના મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું અને વળતરની જાહેરાત કરી

ગળાની મુખ્ય નસ કપાઈ જતાં સર્જાયા મોતના દ્રશ્યો

ઘટનાની વિગત મુજબ, સમીમ શેખ જ્યારે રિક્ષામાં બેઠો હતો ત્યારે મોહિત નામના પરિચિત યુવક સાથે ઇન્સ્ટાગ્રામ બાબતે ઉગ્ર દલીલો થઈ હતી. આવેશમાં આવી ગયેલા મોહિતે અચાનક ચાકૂ વડે હુમલો કરી સમીમના ગળા, પેટ અને પીઠના ભાગે ગંભીર ઘા ઝીંક્યા હતા.આ હુમલામાં ગળાની મુખ્ય નસ (Internal Jugular Vein) કપાઈ જતાં અતિશય રક્તસ્ત્રાવ શરૂ થયો હતો અને યુવાનની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી.

સિવિલના તબીબોની ‘મિશન મોડ’ પર કામગીરી

112 ઇમરજન્સી સેવાની મદદથી ગંભીર હાલતમાં સમીમને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર લાવવામાં આવ્યો હતો.કેસની ગંભીરતા જોઈ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના નેતૃત્વમાં નિષ્ણાત ટીમ તૈનાત કરવામાં આવી:

  • સ્પેશિયલ ટીમ: ઈ.એન.ટી. વિભાગના ડૉ. હાર્દિકા પટેલ, ડૉ.હિમાની ચૌધરી, ડૉ. નિહારિકા ઓઝા અને એનેસ્થેસિયાની ટીમે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં મોરચો સંભાળ્યો.

  • સફળ સર્જરી: સતત બે કલાકની જહેમત બાદ તબીબોએ અત્યંત સાવચેતીપૂર્વક ગળાની કપાયેલી નસને સાંધીને લોહીનો પ્રવાહ રોકવામાં સફળતા મેળવી હતી.

તબીબી સેવાઓની જીત, પરિવારમાં ખુશી

ઓપરેશન બાદ સમીમને 10 દિવસ સુધી ICUમાં રાખી સઘન સારવાર આપવામાં આવી હતી. તબીબો અને નર્સિંગ સ્ટાફની રાત-દિવસની સેવાને કારણે સમીમ સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દીકરાનો જીવ બચી જતાં પરિવારજનોએ તબીબો પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

બનાસ સિવિલ: આધુનિક સારવારનું પર્યાય

આ સફળ કિસ્સો સાબિત કરે છે કે પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલ હવે માત્ર સામાન્ય સારવાર પૂરતી સીમિત નથી. મેડિસિન, સર્જરી અને ઈ.એન.ટી. જેવા વિભાગોમાં આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતાને કારણે ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE