બોડેલીમાં યુવરાજસિંહ જાડેજાના ભાજપ પર આકરા પ્રહાર: ‘જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે’

છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય હવે ચરમસીમાએ પહોંચ્યું છે.ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા યુવરાજસિંહ જાડેજા આજે બોડેલી ખાતે ‘આપ’ના ઉમેદવારોના સમર્થનમાં જનસભા અને પ્રચાર માટે ઉતરી આવ્યા હતા. તેમણે કાર્યકરોમાં જોશ પૂરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ વખતે બોડેલીની જનતા પરિવર્તન લાવવા માટે મક્કમ છે.

યુવરાજસિંહ જાડેજાએ સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, શાસક પક્ષ દ્વારા અન્ય ઉમેદવારોના ફોર્મ ખેંચાવી લેવા અથવા તેમને બેસાડી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જે સીધી રીતે લોકશાહીનું હનન છે. ભાજપની આ પ્રકારની નીતિઓથી સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જનતા હવે સત્તાધારી પક્ષની કાર્યશૈલીને સારી રીતે સમજી ગઈ છે. બોડેલી નગરપાલિકા હોય કે છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી, દરેક સ્તરે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત પ્રદર્શન કરશે. પરિવર્તનની લહેરની વાત કરતા તેમણે જણાવ્યું કે, લોકો હવે પાયાની સુવિધાઓ અને પારદર્શક વહીવટ માટે વિકલ્પ શોધી રહ્યા છે. જે આગામી પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળશે.

રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Comment

READ MORE

READ MORE