દુનિયાના સૌથી ખતરનાક સ્પિનરોમાં સ્થાન ધરાવતા રાશિદ ખાને એક ચોંકાવનારો ખુલાસો કરીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. પુસ્તક ‘રાશિદ ખાન: ફ્રોમ સ્ટ્રીટ ટુ સ્ટારડમ’માં રાશિદે જણાવ્યું કે તેમને ભારત અને ઓસ્ટ્રેલિયાની નાગરિકતાની ઓફર મળી હતી..પરંતુ તેમણે બંનેને ઠુકરાવી દીધી હતી.
રાશિદે આ ખુલાસો એવા સમયે કર્યો છે. જ્યારે તેઓ IPL 2026માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યા છે.
ભારત તરફથી મળી હતી ખાસ ઓફર
રાશિદ ખાને ખુલાસો કર્યો કે IPL 2023 દરમિયાન એક સિનિયર BCCI ઓફિશિયલે તેમનો સંપર્ક કર્યો હતો.તે વાતચીતમાં અફઘાનિસ્તાનની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમને ભારત આવવા અને અહીં જ વસી જવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
રાશિદે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, “મને ઓસ્ટ્રેલિયા અને ભારત બંને તરફથી નાગરિકતા અને રમવાની ઓફર મળી હતી. પરંતુ મેં તેમને કહ્યું કે જો હું મારા દેશ માટે નહીં રમી શકું, તો પછી અન્ય કોઈ દેશ માટે પણ નહીં રમું.”
રાશિદે તે વાતચીતને વિગતવાર જણાવતા લખ્યું કે, “તેઓ (BCCI અધિકારી) મારી પાસે આવ્યા અને અભિવાદન કર્યું. અમે વાતચીત કરવા લાગ્યા અને તેમણે કહ્યું કે તમારા દેશ અફઘાનિસ્તાનની સ્થિતિ ઘણી ખરાબ છે. તમે ભારત આવીને રહો. અમે તમને ભારતીય દસ્તાવેજો આપીશું. અહીં રહો અને અહીં ક્રિકેટ રમો.” રાશિદ તેમની વાત સાંભળીને હેરાન રહી ગયા અને સમજી ન શક્યા કે શું જવાબ આપવો.પરંતુ તેમણે સ્મિત સાથે કહ્યું, “ખૂબ-ખૂબ ધન્યવાદ. હું મારા દેશ અફઘાનિસ્તાન માટે જ રમીશ.”
ઓસ્ટ્રેલિયાની ઓફર અંગે મૌન
રસપ્રદ વાત એ છે કે રાશિદે પોતાના પુસ્તકમાં ઓસ્ટ્રેલિયાથી મળેલી ઓફર વિશે વધુ વિગતે જણાવ્યું નથી.પરંતુ એટલું સ્પષ્ટ કરી દીધું છે કે, તેમણે પોતાના દેશ પ્રત્યેની વફાદારીને સૌથી ઉપર રાખી છે.
દરમિયાન, IPL રમી રહેલા રાશિદ ખાને નબળી શરૂઆત બાદ શાનદાર વાપસી કરી છે.અત્યાર સુધીમાં તેઓ 20 ઓવરમાં માત્ર 154 રન આપીને 6 વિકેટ ઝડપી ચૂક્યા છે અને ટીમ માટે સૌથી કરકસરયુક્ત બોલર સાબિત થયા છે.
રેકોર્ડ પર એક નજર
નોંધનીય છે કે, રાશિદ ખાન T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમણે 524 T20 મેચોની 519 ઇનિંગ્સમાં 708 વિકેટ ઝડપી છે.તેઓ T20I ક્રિકેટમાં પણ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે…જેમાં તેમણે 115 મેચમાં 193 વિકેટ લીધી છે.
1. સૌથી નાની ઉંમરે કેપ્ટન બનવાનો રેકોર્ડ
રાશિદ ખાનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ છે. તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે (20 વર્ષ અને 350 દિવસની વયે) કેપ્ટન બનનાર ખેલાડી છે.તેણે ઝિમ્બાબ્વે સામેની મેચમાં અફઘાનિસ્તાનનું નેતૃત્વ કર્યું હતું.
2. ‘સ્નેક શોટ’ (Snake Shot) ના જનક
બેટિંગમાં રાશિદ ખાનનો ફેવરિટ અને અનોખો શોટ એટલે ‘સ્નેક શોટ’. જ્યારે તે બોલને જોરથી ફટકારે છે ત્યારે તેનું બેટ સાપની ફેણની જેમ ફરે છે. જેને કારણે આ શોટને ‘સ્નેક શોટ’ નામ આપવામાં આવ્યું છે. આ શોટ ઘણીવાર હેલિકોપ્ટર શોટ જેવો લાગે છે પણ તે કાંડાના પાવર પર વધુ આધારિત છે.
3. સાત ભાઈઓ અને પાયાની મહેનત
રાશિદ ખાન 11 ભાઈ-બહેનોના મોટા પરિવારમાંથી આવે છે (જેમાં 7 ભાઈઓ છે). અફઘાનિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે તેનો પરિવાર પાકિસ્તાન શિફ્ટ થયો હતો. તેણે ટેનિસ બોલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. અને તેના ભાઈઓ સાથે રમતા-રમતા જ તે આટલો મોટો સ્પિનર બન્યો.
4. ગુગલી (Googly) – સૌથી મોટું હથિયાર
રાશિદ ખાનની સૌથી મોટી તાકાત તેની ગુગલી છે. તે બોલને જે રીતે પકડે છે (grip) અને જેટલી ઝડપથી હવામાં ફેંકે છે.તેના કારણે બેટ્સમેન માટે એ ઓળખવું મુશ્કેલ બની જાય છે કે બોલ અંદર આવશે કે બહાર જશે. તેની આ ટેકનિક તેને દુનિયાના અન્ય લેગ-સ્પિનરો કરતા અલગ પાડે છે.
5. રાશિદ ખાન ફાઉન્ડેશન
મેદાનની બહાર પણ રાશિદ ખૂબ મોટું કામ કરી રહ્યો છે. તે પોતાનું ‘રાશિદ ખાન ફાઉન્ડેશન’ ચલાવે છે.જે અફઘાનિસ્તાનના અનાથ બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરે છે. તે પોતાની કમાણીનો મોટો હિસ્સો સામાજિક કાર્યોમાં વાપરે છે.
Post Views: 34











