ઈન્ડોનેશિયામાં ભૂકંપના પ્રચંડ આંચકાથી ફફડાટ: 7.8ની તીવ્રતા, સુનામીની ચેતવણી જાહેર

ભૂકંપના ભયાનક અને વિનાશક આંચકાથી આજે ઈન્ડોનેશિયાની ધરતી ધ્રૂજી ઉઠી છે. ગુરુવારે સવારે ઈન્ડોનેશિયાના ઉત્તર મોલુક્કા રાજ્યમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 નોંધાઈ છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્ર ટેરનાટે પાસે ઉત્તર મોલુક્કા સમુદ્રમાં હતું અને જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપના મોજા ઉઠ્યા હતા.

ઈન્ડોનેશિયામાં સુનામીનું સંકટ

ભૂકંપના આ આંચકા અત્યંત વિનાશક સાબિત થઈ શકે છે, કારણ કે ભૂસ્તરશાસ્ત્રીઓએ સુનામી આવવાની ચેતવણી જાહેર કરી છે. આંચકા એટલા પ્રચંડ હતા કે લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જીવ બચાવવા માટે લોકો આમ-તેમ દોડવા લાગ્યા હતા. સરકારે નાગરિકોને દરિયાકિનારાના વિસ્તારો ખાલી કરવા અને ઊંચાઈવાળા સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે. દેશભરમાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે.

ભય અને અફરાતફરીનો માહોલ

ભૂકંપ બાદ સમગ્ર ઈન્ડોનેશિયામાં દહેશતનો માહોલ છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ટીમોને નુકસાનનો અંદાજ મેળવવા મેદાનમાં ઉતારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વીતેલા દિવસે પણ ઈન્ડોનેશિયામાં 6થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

શું છે કારણ? ‘રિંગ ઓફ ફાયર’ અને ટેક્ટોનિક પ્લેટ્સ

ઈન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત છે. આ વિસ્તારમાં દુનિયાના સૌથી વધુ જ્વાળામુખી અને ફોલ્ટ લાઈનો આવેલી છે, જેના કારણે અહીં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ બને છે.

વધુમાં, ઈન્ડોનેશિયા ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટ્સ – પેસિફિક, યુરેશિયન, ઇન્ડો-ઓસ્ટ્રેલિયન અને ફિલિપાઈન પ્લેટ્સના સંગમ પર વસેલું છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે અથવા નીચે સરકે છે, ત્યારે પેદા થતી ઉર્જા તરંગોના સ્વરૂપમાં પૃથ્વી પર ધ્રુજારી લાવે છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE