મહિલાઓને ચૂપચાપ શિકાર બનાવી રહ્યો છે ટીબી! આ લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવો, નહીં તો થઈ શકે છે મોટી મુશ્કેલી

આજની વ્યસ્ત જીવનશૈલીમાં મહિલાઓ અવારનવાર પોતાની તબિયતને અવગણતી હોય છે. હળવો તાવ, થાક અથવા નબળાઈ જેવી સમસ્યાઓને સામાન્ય માનીને તેને નજરઅંદાજ કરે છે. પરંતુ ઘણીવાર આ જ લક્ષણો ટીબી (Tuberculosis) જેવી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. ટીબી એક ચેપી બેક્ટેરિયલ રોગ છે. જે હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે.સંક્રમિત વ્યક્તિના ઉધરસ ખાવાથી કે છીંકવાથી તેના બેક્ટેરિયા ફેલાઈ શકે છે.સમયસર તપાસ અને સારવાર મળવાથી આ બીમારી સંપૂર્ણપણે મટી શકે છે.પરંતુ બેદરકારી તેને ખતરનાક બનાવી શકે છે. આ લેખમાં આપણે એ વાતો પર ધ્યાન આપીશું કે મહિલાઓમાં આ બીમારી કેમ ઝડપથી ફેલાઈ રહી છે?

મહિલાઓમાં ટીબીની અસર અલગ રીતે જોવા મળી શકે છે

સ્વાસ્થ્ય અહેવાલો અનુસાર, મહિલાઓમાં ટીબી માત્ર ફેફસાં સુધી મર્યાદિત નથી રહેતો, પરંતુ ઘણીવાર પ્રજનન અંગોને પણ અસર કરી શકે છે. જેને ફીમેલ જેનિટલ ટીબી કહેવામાં આવે છે.આ બીમારીનો સૌથી મોટો પડકાર એ છે કે તેના લક્ષણો સ્પષ્ટ દેખાતા નથી. ઘણીવાર મહિલાઓને લાંબા સમય સુધી તેની ખબર જ પડતી નથી. જ્યારે તપાસ થાય છે, ત્યાં સુધીમાં સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી હોય છે, જેનાથી આગળ જતાં ગર્ભધારણમાં પણ મુશ્કેલી આવી શકે છે.

મહિલાઓમાં આ સંક્રમણ શરીરના અનેક મહત્વપૂર્ણ અંગોને અસર કરી શકે છે:

  • ફેલોપિયન ટ્યુબ: જેના કારણે ગર્ભધારણમાં સમસ્યા આવી શકે છે.

  • ગર્ભાશય: જેના લીધે માસિક ધર્મ (Periods) અનિયમિત થઈ શકે છે.

  • ઓવરી (અંડાશય): જેનાથી હોર્મોનલ સંતુલન બગડી શકે છે.

  • સર્વિક્સ: જ્યાં સંક્રમણ લાંબા સમય સુધી છુપાયેલું રહી શકે છે.

  • આ સિવાય પેલ્વિક પેઈન (પેડુમાં દુખાવો), અસામાન્ય બ્લીડિંગ અને સફેદ પાણી પડવા જેવી સમસ્યાઓ પણ તેના સંકેત હોઈ શકે છે.

આ લક્ષણોને નજરઅંદાજ ન કરો, નહીં તો થશે મુશ્કેલી

ટીબીના કેટલાક સામાન્ય સંકેતો જેમ કે સતત તાવ આવવો, રાત્રે પરસેવો થવો, અચાનક વજન ઘટવું અને ભૂખ ઓછી લાગવી પણ જોવા મળી શકે છે.નબળી રોગપ્રતિકારક શક્તિ (Immunity), કુપોષણ, ડાયાબિટીસ અથવા ભીડભાડવાળી જગ્યાઓમાં રહેવાથી તેનું જોખમ વધી શકે છે.

સારી વાત એ છે કે, યોગ્ય દવાઓ અને સંપૂર્ણ સારવાર લેવાથી ટીબી મટી શકે છે. તેથી, જો લાંબા સમય સુધી આવા લક્ષણો દેખાય, તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે, જેથી બીમારીને શરૂઆતના તબક્કે જ રોકી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE