ભારત સરકાર હવે ડિજિટલ છેતરપિંડી કરનારાઓ સામે લાલ આંખ કરી રહી છે.તાજેતરમાં મળેલી હાઈ-લેવલ ઈન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટી (IDC)ની બેઠકમાં કેન્દ્ર સરકારે લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp ને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ સ્કેમમાં વપરાતા ડિવાઇસ આઈડી (Device ID) ને સીધા જ બ્લોક કરે. આ પગલાથી છેતરપિંડી કરનારાઓ એક જ મોબાઈલ પર વારંવાર નવા એકાઉન્ટ બનાવી શકશે નહીં. ‘ડિજિટલ અરેસ્ટ’ ના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે, જેમાં સ્કેમર્સ પોલીસ કે CBI અધિકારી બનીને લોકોને ડરાવી લાખો રૂપિયા પડાવે છે.
સરકાર દ્વારા WhatsApp ને અપાયેલા મુખ્ય આદેશો
સરકારે WhatsApp ને તેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. જેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે:
-
ડિવાઇસ બ્લોકિંગ મિકેનિઝમ: જે મોબાઈલ કે ડિવાઇસ દ્વારા છેતરપિંડી આચરવામાં આવે છે.. તે ડિવાઇસને ઓળખીને હંમેશા માટે બ્લોક કરવા માટે WhatsApp એ 45 દિવસમાં નવો પ્રસ્તાવ આપવો પડશે.
-
સસ્પેક્ટ એકાઉન્ટ વોર્નિંગ: સ્કાઈપ (Skype) જેવા ફીચર્સની જેમ, હવે WhatsApp પર પણ શંકાસ્પદ કોલર વિશે અગાઉથી ચેતવણી મળે તેવા ફીચર્સ ઉમેરવા જણાવાયું છે.
-
SIM બાઈન્ડિંગ: નવેમ્બર 2025 ના ટેલિકોમ વિભાગના નિયમો મુજબ, WhatsApp એકાઉન્ટને એક્ટિવ સિમ કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બનશે.. જેથી અનામી કે ફેક પ્રોફાઇલ દ્વારા થતા ગુના અટકાવી શકાય.
-
AI અને મશીન લર્નિંગનો ઉપયોગ: પોલીસ કે સરકારી સંસ્થાઓના લોગોનો ખોટો ઉપયોગ અને AI દ્વારા જનરેટ કરેલા ફેક કન્ટેન્ટને પકડવા માટે કંપનીએ તેની ટેકનોલોજી અપગ્રેડ કરવી પડશે.
-
ડેટા સાચવવો: IT નિયમો મુજબ, ડિલીટ કરાયેલા શંકાસ્પદ એકાઉન્ટ્સનો ડેટા તપાસ માટે ઓછામાં ઓછા 180 દિવસ સુધી સાચવી રાખવો પડશે.
શું છે ‘ડિજિટલ અરેસ્ટ’ અને તેનાથી કેવી રીતે બચશો?
‘ડિજિટલ અરેસ્ટ’ એ સાયબર ફ્રોડની એક અત્યંત ગંભીર પદ્ધતિ છે. આમાં સ્કેમર્સ વીડિયો કોલ દ્વારા પીડિતને એવું કહીને ડરાવે છે કે તેઓ કોઈ ગંભીર ગુનામાં ફસાયા છે અને તેમને ઓનલાઈન જ કેદ (અરેસ્ટ) કરવામાં આવ્યા છે. ડરના માર્યા લોકો લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દે છે. વર્ષ 2024 માં આવા 1.23 લાખ કેસ નોંધાયા હતા.. જેમાં અંદાજે ₹1,935 કરોડની છેતરપિંડી થઈ છે.
સાવચેતીના પગલાં: કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર ક્યારેય ધરપકડ કે પૈસાની માંગણી કરતી નથી. જો તમને આવો કોઈ કોલ આવે, તો ગભરાશો નહીં અને તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
Post Views: 0











