ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે તેની બાળપણની મિત્ર વંશિકા ચઢ્ઢા સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન મસૂરીમાં ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા હતા. લગ્નના બે દિવસ બાદ કુલદીપે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા લખ્યું કે, “હંમેશા સાથે રહેવાની સફર શરૂ થઈ ગઈ છે.” કુલદીપ દ્વારા શેર કરવામાં આવેલી લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
દિગ્ગજ ક્રિકેટરોની હાજરીમાં જામ્યો રંગ
કુલદીપ અને વંશિકાના લગ્ન શનિવારે મસૂરીમાં એક ખાનગી સમારોહમાં યોજાયા હતા. આ ખાસ અવસરે બંને પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતના જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા. લગ્નમાં પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ, સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના સહિત અનેક ખેલાડીઓએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સંગીત અને ડાન્સના કાર્યક્રમોથી લગ્નનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.
દેહરાદૂન એરપોર્ટ પર જોવા મળ્યું કપલ
લગ્ન બાદ રવિવારે કુલદીપ યાદવ પત્ની વંશિકા અને તેની માતા સાથે દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કુલદીપ તાજેતરમાં T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો મહત્વનો ભાગ હતો. હવે તે ટૂંક સમયમાં IPL 2026 માટે દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે જોડાઈ શકે છે, જેની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે.
ગયા વર્ષે થઈ હતી સગાઈ
કુલદીપ અને વંશિકાની સગાઈ 4 જૂન 2025 ના રોજ લખનૌની એક હોટલમાં થઈ હતી. આ કાર્યક્રમમાં રિન્કુ સિંહની મંગેતર અને સાંસદ પ્રિયા સરોજ પણ સામેલ થયા હતા.
કોણ છે વંશિકા ચઢ્ઢા?
વંશિકા કાનપુરના શ્યામનગર લાલબંગલા વિસ્તારની રહેવાસી છે. તેના પિતા યોગેન્દ્ર સિંહ ચઢ્ઢા LIC માં કાર્યરત છે. વંશિકાએ 2017માં સેન્ટ મેરી સ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યું હતું અને ત્યારબાદ તે ઉચ્ચ અભ્યાસ અને નોકરી માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. કુલદીપ અને વંશિકા બાળપણના મિત્રો છે, જેઓની મિત્રતા હવે લગ્નના પવિત્ર બંધનમાં પરિણમી છે.
Post Views: 0











