સાણંદ TP-5માં બિલ્ડિંગ બાંધકામમાં મોટા કૌભાંડનો આક્ષેપ,TP-5માં સીડીની જગ્યાએ ઓફિસ બનાવી દેવાતા રહીશોમાં રોષ

સાણંદના વિકસી રહેલા TP-5 વિસ્તારમાં બિલ્ડર અને અધિકારીઓની મિલીભગતથી મોટું બાંધકામ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યો છે. F.P. No. 1209/1 ખાતે આવેલા બિલ્ડિંગમાં મંજૂર કરાયેલા નકશા (Plan)ને નેવે મૂકીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

મંજૂર પ્લાન વિરુદ્ધ બાંધકામ છતાં BU પરમિશન મળી જતાં AUDAની કામગીરી શંકાના દાયરામાં આવી છે..હવે રહીશોએ AUDAના CEO ને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે..

અરજદારોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના મંજૂર પ્લાનમાં જે જગ્યા કોમન સ્ટેરકેસ (સીડી) માટે ફાળવવામાં આવી હતી, ત્યાં બિલ્ડરે નિયમો વિરુદ્ધ જઈને ગેરકાયદેસર ઓફિસનું નિર્માણ કરી દીધું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ગેરકાયદેસર ઓફિસનો દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો છે. જે સમગ્ર પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ તરફ આંગળી ચીંધે છે.બિલ્ડિંગનું બાંધકામ મંજૂર પ્લાન મુજબ ન હોવા છતાં તંત્ર દ્વારા BU Permission (બિલ્ડિંગ વપરાશ પરવાનગી) કઈ રીતે આપી દેવામાં આવી? આ બાબતે રહીશોએ બિલ્ડર, આર્કિટેક્ટ અને સંબંધિત સરકારી અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરી છે.

બિલ્ડિંગના રહીશોએ આ મામલે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના CEO ને લેખિત રજૂઆત કરી છે અને માંગ કરી છે કે, AUDA ની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ (Site Inspection) કરવામાં આવે. મંજૂર થયેલા મૂળ પ્લાન અને હાલના બાંધકામની ભૌતિક સરખામણી કરવામાં આવે. સીડીની જગ્યાએ કરાયેલું ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે. ખોટી રીતે પરવાનગી આપનાર અધિકારીઓ અને બિલ્ડર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે. આમ, આ કૌભાંડ બહાર આવતા સાણંદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અને સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે AUDA તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને રહીશોને ન્યાય અપાવે છે કે કેમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE