રાજકોટમાં સુરક્ષા કડક : પોલીસ કમિશ્નર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના વિવિધ પ્રતિબંધાત્મક આદેશો

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અલગ-અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તા. ૩૦ એપ્રિલ 2026 સુધી અમલમાં રહે તેવા આદેશો બહાર પાડવામાં આવ્યા છે.

મુખ્ય આદેશો મુદ્દાવાર નીચે મુજબ છે :

ટોલનાકા પર વાહનોની વિગતો રાખવાની ફરજ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ટોલનાકા પર પસાર થતા તમામ વાહનોના નંબર પ્લેટ તથા ડ્રાઈવર સ્પષ્ટ દેખાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અને વાહનોની નોંધણી રાખવા સૂચના આપવામાં આવી છે. રેકોર્ડિંગનો ડેટા ઓછામાં ઓછા ૨૦ દિવસ સુધી સંગ્રહિત રાખવો પડશે.

હાઈવે પરના સંવેદનશીલ સ્થળોએ CCTV ફરજિયાત

પેટ્રોલપંપ, હોટલ, સિનેમા હોલ, મોટા મંદિરો, સાયબર કેફે, જવેલર્સ તથા હોસ્ટેલો સહિતના સ્થળોએ બિલ્ડિંગની અંદર અને બહાર હાઈ ડેફિનેશન નાઈટ વિઝન સીસીટીવી લગાવવાનું ફરજિયાત કરાયું છે.

મોબાઈલ અને સિમકાર્ડ વેચાણ માટે કડક નિયમો

જૂના મોબાઈલ ફોનની ખરીદી-વેચાણ કરતી દુકાનોને ગ્રાહકનું નામ, સરનામું, આઈડી પ્રૂફ તથા મોબાઈલનો IMEI નંબર સહિતની વિગતો સાથે રજીસ્ટર રાખવું પડશે. નવા સિમકાર્ડ વેચતી વેળાએ પણ ખરીદનારની સંપૂર્ણ વિગતો તથા આઈડી પ્રૂફની નકલ રાખવી ફરજિયાત રહેશે. આ તમામ રેકોર્ડ ત્રણ વર્ષ સુધી જાળવવાના રહેશે.

પરપ્રાંતીય મજૂરોની માહિતી પોલીસને આપવી ફરજિયાત

કારખાના, બાંધકામ, ફાઉન્ડ્રી, હીરા ઉદ્યોગ, ખેતી સહિતના ક્ષેત્રોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો, કારીગરો અને કર્મચારીઓની સંપૂર્ણ વિગતો તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાનું રહેશે.

વાહન ખરીદી-વેચાણ માટે ઓળખ પુરાવા ફરજિયાત

જૂના વાહનોના વેચાણ સમયે ખરીદનાર પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ એક ઓળખ પુરાવો મેળવવો અને વાહનનો એન્જિન નંબર, ચેસીસ નંબર સહિતની વિગતો સાથે રેકોર્ડ રાખવો પડશે.

ડ્રોન અને માઇક્રોલાઇટ એરક્રાફ્ટ પર નિયંત્રણ

શહેર વિસ્તારમાં ડ્રોન, પેરાગ્લાઈડર, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ વગેરેનો ઉપયોગ કરતા પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી અને ઉપયોગ માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

અવાજ પ્રદૂષણ સામે કડક કાર્યવાહી

લાઉડસ્પીકર, માઇક સિસ્ટમ અને જાહેર સરઘસમાં અવાજની મર્યાદા ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ મુજબ જ રાખવી પડશે. હોસ્પિટલ, શાળાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોના ૧૦૦ મીટર વિસ્તારમાં માઇક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

પોપટપરા મધ્યસ્થ જેલમાં મોબાઈલ પ્રતિબંધ

જેલ સંકુલમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સિમકાર્ડ અથવા અન્ય સંચાર સાધન લઈ જઈ શકશે નહીં. ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને જ છૂટ આપવામાં આવી છે.

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ

પોલીસ કમિશ્નર કચેરી, કલેક્ટર કચેરી, કોર્ટ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, આરટીઓ સહિતની સરકારી કચેરીઓમાં જનતાને ગેરમાર્ગે દોરતા બિનઅધિકૃત એજન્ટો અથવા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઘરઘાટી અને નોકરચાકરની માહિતી ઓનલાઈન નોંધણી ફરજિયાત

મકાન માલિકો દ્વારા ઘરઘાટી, ડ્રાઈવર, વોચમેન, રસોઈયા વગેરેની માહિતી સિટિઝન પોર્ટલ અથવા “Citizen First” એપ દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને માહિતી આપવી પડશે.

તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આ તમામ આદેશોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE