નેપાળ ચૂંટણી: સત્તાના સમીકરણો વચ્ચે મહિલા શક્તિનો ઉદય, RSPનો દબદબો અને દિગ્ગજોની હાર

નેપાળમાં તાજેતરમાં સંપન્ન થયેલી સંસદીય ચૂંટણીના પરિણામોએ રાજકીય જગતમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. આ વખતે કુલ 14 મહિલા ઉમેદવારોએ સીધી ચૂંટણીમાં જીત મેળવી ઈતિહાસ રચ્યો છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, આ 14માંથી 13 બેઠકો પર રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) એ ભવ્ય વિજય મેળવ્યો છે..જ્યારે માત્ર એક બેઠક નેપાળી કોંગ્રેસના ફાળે ગઈ છે.

વર્ષ 2022ની ચૂંટણીમાં માત્ર 9 મહિલાઓ (5.45%) ચૂંટાઈ હતી..જેની સરખામણીએ આ વખતે આંકડો વધીને 14 (8.48%) પર પહોંચ્યો છે. જોકે, નેપાળના બંધારણ મુજબ સંસદમાં મહિલાઓ માટે 33% પ્રતિનિધિત્વ હોવું જોઈએ..જે લક્ષ્યાંક સુધી પહોંચવામાં રાજકીય પક્ષો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.

ચૂંટણી પરિણામોમાં સૌથી વધુ ચર્ચા આ ત્રણ બેઠકોની થઈ રહી છે જ્યાં દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે:

  1. ઇન્દિરા રનમાગર (RSP): તેમણે CPN-UML ના દિગ્ગજ નેતા અને પૂર્વ સ્પીકર દેવરાજ ઘિમીરેને 48,742 મતોના વિશાળ અંતરથી હરાવીને સનસનાટી મચાવી દીધી છે.

  2. રુબિના આચાર્ય (RSP): તેમણે નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શેખર કોઈરાલાને પરાજય આપીને એક મોટી ઉલટફેર સર્જી છે.

  3. સોબિતા ગૌતમ (RSP): સૌથી ચર્ચિત મુકાબલામાં સોબિતાએ પૂર્વ વડાપ્રધાન ‘પ્રચંડ’ની પુત્રી રેનુ દહલને કારમી હાર આપી છે. રેનુ દહલ ભરતપુરના મેયર પદેથી રાજીનામું આપીને ચૂંટણી લડ્યા હતા.

આ ઐતિહાસિક વિજય મેળવનાર મહિલાઓમાં નીચે મુજબના નામ સામેલ છે:

  • RSP માંથી: નિશા ડાંગી, આશા ઝા, પુષ્પા કુમારી ચૌધરી, ગૌરી કુમારી, નીતિમા ભંડારી, આશિકા તામાંગ, રંજુ ન્યૂપાને, તોશિમા કાર્કી, બીના ગુરુંગ અને કોમલ જ્ઞાવલી.

  • નેપાળી કોંગ્રેસમાંથી: 45 વર્ષીય વાસના થાપા નેપાળી કોંગ્રેસ તરફથી જીતનાર એકમાત્ર મહિલા ઉમેદવાર રહ્યા છે.

પરિણામો સ્પષ્ટ કરે છે કે, નેપાળની જનતા હવે પરંપરાગત નેતૃત્વને બદલે નવા ચહેરાઓ અને ખાસ કરીને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ની મહિલા શક્તિ પર વધુ ભરોસો કરી રહી છે. 33% અનામતનો લક્ષ્યાંક હજુ દૂર છે.. પરંતુ આ જીત નેપાળી રાજકારણમાં પરિવર્તનનો સંકેત આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE