આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ તેમનું આઠમું સામાન્ય બજેટ રજૂ કરીને એક નવો ઇતિહાસ રચશે. ભારતમાં ફક્ત ત્રણ નાણામંત્રીઓ – મોરારજી દેસાઈ, પી. ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીને આઠ કે તેથી વધુ વખત બજેટ રજૂ કરવાની તક મળી છે. નિર્મલા સીતારમણ આ યાદીમાં સામેલ થઈને ઇતિહાસ રચશે.
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરી 2025 ના રોજ તેમનું આઠમું સામાન્ય બજેટ રજૂ કરીને એક નવો ઇતિહાસ રચશે. આ મોદી 3.0 સરકારનું પહેલું પૂર્ણ બજેટ છે અને બજેટ સામાન્ય રીતે સવારે 11 વાગ્યે લોકસભામાં રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવે છે. નાણામંત્રી તરીકે સીતારમણનું આ આઠમું બજેટ હશે, જેમાં તેમના દ્વારા અત્યાર સુધી રજૂ કરાયેલા બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.
આ સાથે જ સીતારમણ 10 વખત બજેટ રજૂ કરનારા ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની વધુ નજીક પહોંચી જશે. પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના નામે 10 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. મોરારજી દેસાઈએ 1959-1964 દરમિયાન નાણામંત્રી તરીકે છ વખત અને 1967-1969 દરમિયાન ચાર વખત બજેટ રજૂ કર્યું હતું.
શું કહે છે નિષ્ણાતો?
નિષ્ણાતો કહે છે કે સરકાર 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને ગયા વર્ષની જેમ, આ વર્ષે પણ, નાણામંત્રી માળખાગત ખર્ચ, સામાજિક કલ્યાણ, ગ્રામીણ ભારત તેમજ હાલમાં ધીમી પડી ગયેલી અર્થ વ્યવસ્થામાં તેજી લાવવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આનાથી સામાન્ય લોકોને, ખાસ કરીને નોકરી કરતા લોકોને પણ રાહત મળી શકે છે, જેથી તેમની ખર્ચપાત્ર આવક વધી શકે અને તેમનો ખર્ચ અર્થતંત્રને વેગ આપવામાં મદદ કરી શકે.
આજે ખુલ્લું રહેશે શેરબજાર
સામાન્ય રીતે શનિવારે શેરબજાર બંધ રહે છે, પરંતુ બજેટ રજૂ થવાને કારણે, આજે શેરબજાર ખુલ્લું રહેશે. શેરબજાર દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. શનિવારે બજારો તેમના નિયમિત સમય સાથે રાબેતા મુજબ કાર્યરત રહેશે.











