જામનગરની વ્હોરા સમાજની દરગાહમાંથી ચોરી કરનાર રાજકોટના બે રીઢા ચોર ઝડપાયા

જામનગરમાં આવેલ વ્હોરાના હજીરામાં આવેલી દરગાહને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી હતી. દાનપેટી તોડીને મુદ્દામાલની ચોરી કરીને આરોપીઓ બુલેટ લઈને મોરબી તરફ આવી રહ્યા છે તેવી હકિકત મોરબી બી ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે વોચ ગોઠવીને 1.80 લાખના કુલ મુદ્દામાલ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ અંગેની જાણ જામનગર પોલીસને કરવામાં આવી છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ચોરી, લૂંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી. તેવામાં બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવાના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે જે.જે.ડાંગર, પ્રદીપસિંહ ઝાલા, શક્તિસીંહ જાડેજા, અજયસિંહ તિખુભાને મળેલી સંયુક્ત બાતમી આધારે થોડા દિવસ પહેલાં જામનગરના સુભાસ બ્રીજની બાજુમાં આવેલ પ્રસિદ્ધ વ્હોરા સમાજની દરગાહમા થયેલી ચોરીના ગુનામાં બન્ને આરોપીને બુલેટ સાથે મોરબીના નવાલખી ફાટક પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે.

તેમાં સીકંદર ઉર્ફે સીકલો સીદીકભાઈ (40) રહે. ભગવતીપરા, જયમાળી ચા ની હોટલની બાજુમાં રાજકોટ અને વિવેક બીરેંદ્રસિંઘ ચૌહાણ રહે. કરણપરા શેરી નં- 7 શુભ એપાર્ટમેંટ, રાજકોટનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓએ જામનગરમાં આવેલ પ્રસિદ્ધ વ્હોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર ચોરી કરી હતી અને મોરબીમાં ચોરી કરે તે પહેલાં પકડી પાડેલ છે. પોલીસે સીકંદર પાસેથી 50 હજાર અને વિવેક પાસેથી 55 હજાર રોકડા તેમજ બુલેટ નંબર જીજે 3 એનઆર 9200 જેની કિંમત 75 હજાર આમ કુલ મળીને 1.80 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે.=

જે બે આરોપીને મોરબીની પોલીસે પકડેલ છે. તેના ગુનાહિત ઇતિહાસ વિષેની પોલીસે આપેલ માહિતી મુજબ આરોપી સીકંદર ઉર્ફે સીકલો પઢીયાર ઉપર જામનગર અને જેતપુરમાં કુલ મળીને ચોરીના ત્રણ ગુના નોંધાયેલ છે. જ્યારે આરોપી વિવેક ચૌહાણ સામે રાજકોટના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ચોરીના કુલ મળીને 17 જેટલા ગુના નોંધાયેલ છે.

Leave a Comment

READ MORE

READ MORE