મૂળ ભુજ તાલુકાના ફોટડીના વતની અને કેન્યા યુગાન્ડામાં સિમેન્ટ ઉદ્યોગ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા એન.આર.આઈ અગ્રણી અને વિશ્વભરના લેવા પટેલ સમાજમાં લોકપ્રિય અને હસુભાઈના હુલામણા નામે પરિચિત મોભી દાતા હસમુખલાલ કાનજીભાઈ ભુડીયા તેમની કર્મભૂમિના મોમ્બાસા ખાતે મધ્યરાત્રીએ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા છે.ગરીબોના બેલી, અનાથોના નાથ, લાખો દુખિયારાના આંસુ લુંછનારા હસમુખભાઈ 57 વર્ષની વયે અવસાન પામતા લેવા પટેલ સમાજ તેમજ કચ્છ, કેન્યા, યુગાન્ડા સહિતના વિશ્વભરના કચ્છી લેવા પટેલને પૂરી ન શકાય એવી ખોટ આવી છે. મધ્યરાત્રીએ પ્રાણઘાતક હુમલો થતા એમ્બ્યુલન્સ દ્વારા ન્યાલી ખાતેની પ્રીમિયર હોસ્પિટલે લઇ જવાતા ત્યાંના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા ત્યારે લેવા પટેલ સમાજનો આ તેજસ્વી તારલો અચાનક વિદાય લેતા આઘાત સાથે આંચકો આપતા ગયા હતા.
વિશ્વમાં ફેલાયેલા કચ્છી પટેલો, સાધુ, સંતો, સહિત અનેકોએ આ દુ:ખદ સમાચારથી આઘાત અનુભવ્યો હતો. લંડનથી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જીતેન્દ્રપ્રિયદાસ સ્વામી સહિત સંતોએ મહાપુરુષની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. કચ્છી પટેલ કોમ્યુનિટી લંડનના ચેરમેન માવજીભાઈ, કે.કે. પટેલ-બળદિયા, અશોક પટેલ, મહેશ વસાણી વગેરેએ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. મોમ્બાસામાં આ સમાચાર વાયુ વેગે ફેલાતા માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો અને સ્થાનિકો તેમજ કચ્છીઓના સૌની આંખો ભીની થઈ હતી