ખોટા દાવેદારો, રાજકીય નેતાઓ અને અધિકારીઓની મિલીભગત વિરુદ્ધ સીતારામ સોસાયટીના રહીશોએ અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો
રાજકોટના મોટામવા વિસ્તારમાં આવેલી સીતારામ પાર્ક સોસાયટીની સોનાની લગડી કરતાય કિંમતી જમીન પર વર્ષોથી રહેતા સામાન્ય માણસોને હાંકી કાઢી કોમર્શિયલ-રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ખડકી કરોડો રૂપિયા કટકટાવવાનો કારસો રચાઈ ગયો છે. આ કારસામાં ભાજપના નેતા, મંત્રી, ધાર્મિક વડા અને કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યનું નામ ચર્ચાઈ રહ્યું છે. ભાજપનું જ અન્ય એક જૂથ પણ આ જગ્યામાં પગપેસારો કરવા પૂર્ણ રસ લઈ રહ્યું હોય એવું કહેવાય છે. જોકે હાલ તો આ મામલો રાજકોટ કલેક્ટર કચેરીમાં છે પરંતુ ભારત હેડલાઈન્સને પ્રાપ્ત પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા પચ્ચીસ-પચ્ચીસ વર્ષથી સીતારામ સોસાયટીમાં રહેતા રહીશો જ આ જગ્યા પર પ્રથમ હકદાર છે. કહેવાતી આ સૂચિત સોસાયટીના રહીશો પાસે જગ્યાના હકપત્રો, લાઈટ બિલ, ગેસ બિલથી લઈ જરૂરી બધા જ કાગળિયા છે. તમામ આધાર પુરાવાઓ જોતા આટઆટલા વર્ષોથી સીતારામ સોસાયટીને રેગ્યુલરાઈઝ કરવામાં રાહ શેની જોવાઈ રહી છે એ સૌથી મોટો પ્રશ્ન છે.
શહેરના મોટામવાની ટીપી સ્કીમ નં.10ના સર્વે નં.50માં આવેલી સીતારામ પાર્ક સોસાયટીની જગ્યા પર 1999થી સૂચિત બાંધકામ આવેલું છે. આ જગ્યાના મૂળ ખાતેદારોએ જગ્યા વર્ષો પહેલા જ અહીંના રહીશોને લખી આપી છે. ત્યારબાદ આ જગ્યાના અમુક ખાતેદારો અને તેમના વારસદારો તેમજ રાજકીય નેતાઓની આ જગ્યા પર નજર પડી હતી. સરકારી ચોપડે કઈપણ સાચું-ખોટું કરી શકવાની તાકાત ધરાવતા અમુક લોકોએ મસમોટી જગ્યામાં ઘૂસવા વિવાદ ઉભા કરવાની કોશિશ કરી હતી, જેમાં તેઓ સફળ રહ્યા છે. સમયાંતરે જગ્યાની બજાર કિંમત ઘટાડવા અને સોદા અટકાવવા ખોટા દાવા અરજી પણ કરાઈ હતી. આ સાથે જ સ્થાનિક તંત્રના અધિકારી અને પોલીસ પાસે પણ સત્તાનો દુરુપયોગ કરાવી સીતારામ સોસાયટીના રહીશો પાસેથી જગ્યા પડાવી લેવાની ભરપૂર કોશિશ કરવામાં આવી હતી.
હાલ સીતારામ સોસાયટીનો વિવાદ ફરી ચગ્યો છે. જૂના માલિકો, વારસદારો, રાજકીય નેતાઓ, ધાર્મિક વડાઓ અને અધિકારીઓ એક બની સીતારામ સોસાયટીની જગ્યામાંથી મલાઈ તારવી લેવા મેદાને પડ્યા છે. હવે ભૂમાફિયાઓના સ્વાંગમાં રહેલા ખોટા દાવેદારો, રાજકીય નેતાઓ અને અધિકારીઓની મિલીભગત વિરુદ્ધ સીતારામ સોસાયટીના રહીશો, વેપારીઓએ અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો. જો સમય રહેતા મોટામવામાં આવેલી સીતારામ પાર્ક સોસાયટીમાં કબજો ધરાવનારાઓ એકસાથે મળી કાર્યવાહી કરવા આગળ નહીં આવે તો બની શકે તેઓને પોતાનો આશીયાનો ગુમાવવો પડે.
બોક્સ : સીતારામ પાર્ક સોસાયટીની જગ્યાના કથિત દાવેદારોએ રહીશોને ડરાવ્યા-ધમકાવ્યા! :કબ્જેદારોની જાણ બહાર જગ્યા બિનખેતીની કરવા માટે અરજીઓ કરી?
મોટામવામાં આવેલી સીતારામ પાર્ક સોસાયટીની જગ્યા મામલે ઘણી ગેરસમજ ઉભી કરી જગ્યાને વિવાદોમાં નાખી દેવામાં આવી છે અને આ કહેવાતી સૂચિત સોસાયટી કાયદેસર ન થાય તે માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. આજથી થોડા વર્ષો પહેલા 1999થી સીતારામ સોસાયટીની જગ્યા પર બાંધકામ ધરાવી રહેતા લોકોની જાણ બહાર, કબજો ન ધરાવતા લોકોએ કલેકટરમાં સીતારામ સોસાયટીની જમીન બિનખેતી કરવા અરજી કરી નાખી હતી. તંત્રએ આ અરજી નકારી દેતા વારંવાર આ જગ્યા બિનખેતીની કરવા માટે અરજીઓ કરાઈ હોવાનું જાણવા મળે છે. મૂળ માલિકોએ જગ્યા જે-તે સમયે વહેચી કે અન્ય લોકોના નામે કરી દીધાનું લખાણ છે છતાં કેટલાક રાજકીય નેતાઓ અને તેના મળતિયાઓ આ જગ્યાને ઘોંચમાં નાખવા અને બારોબાર પોતાના નામે કરી લેવા મરણીયા બન્યા છે. એટલું જ નહીં આ જગ્યા પર માલિકીનો દાવો કરતા માથાભારે શખ્સોએ સીતારામ સોસાયટીના રહીશોને જગ્યા ખાલી કરાવવા અનેક વખત ધાકધમકીઓ પણ આપી છે. ભૂતકાળમાં પોલીસ સ્ટેશનમાં ગોઠવણ કરીને સીતારામ સોસાયટીના લોકોને જગ્યા ખાલી કરવા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવામાં આવી હોવાનું પણ કેટલાક રહીશો જણાવી રહ્યા છે.