ખોખડદડ ગામે આવેલા કુમકુમ પાર્ટી પ્લોટમાં ખેતી માટે ફાળવાયેલા વીજ કનેક્શનનો ઉપયોગ થઈ રહ્યો છે
શું PGVCL ના અધિકારી માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી મોટો દંડ ફટકારશે?
રાજકોટ તાલુકાના ખોખડદળ ગામે ચાલતા ગેરકાયદે કુમકુમ પાર્ટી પ્લોટ ધારકોને પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ કનેક્શન રદ કરવાની નોટિસ આપતા ચકચાર મચી છે. ખેતરની જમીન પર કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર મસમોટો પાર્ટી પ્લોટ બનાવી લાખોની કમાણી કરી રહ્યા છે. સરકારનો મહેસૂલી વેરો ભર્યા વગર લાખો રૂપિયા ઓળવી જનારા પાર્ટી પ્લોટ ધારકોને પીજીવીસીએલે ૧૫ દિવસમાં વીજ કનેક્શન રદ કરવાની નોટિસ અપાતા પાર્ટી પ્લોટ ધારકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખેતીલાયક ચાલુ જમીનનો ઉપયોગ ખેતીને બદલે વાણિજયમાં પરીવર્તિત કરી લાખો રૂપિયાનો વેપલો થઈ રહ્યો હતો આટલું જ નહીં જગતના તાત કહેવાતા ધરતીપુત્રોને વીજળી માટે વલખા મારવા પડે છે જ્યારે કુમકુમ પાર્ટી પ્લોટમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત મળેલું વીજ કનેક્શન વપરાય રહ્યું હતું. જે હવે ધ્યાને આવતા પીજીવીસીએલ સફાળું જાગ્યું છે. ત્યારે સવાલ એ થાય કે, શું અત્યાર સુધી આવડો મોટો પાર્ટી પ્લોટ તંત્રને ધ્યાનમાં નહીં આવ્યો હોય? શું પીજીવીસીએલના અધિકારી માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી મસમોટો દંડ પણ ફટકારશે? જ્યારે સામાન્ય નાગરિકની વીજચોરી ઝડપાય તો પીજીવીસીએલ તંત્ર કનેક્શન રદ કરી લાખોનો દંડ કરે છે તેવી જ રીતે શું અહીં પણ કાર્યવાહી કરશે.. ? તે જોવુ રહ્યું.
રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસર મુજબ કુમકુમ પાર્ટી પ્લોટ ગેરકાયદે
કુમકુમ પાર્ટી પ્લોટ અંગે રાજકોટ તાલુકા મામલતદારે ભારત હેડલાઈનને જણાવ્યું હતું કે, આ પાર્ટી પ્લોટ ખેતીની જમીન પર ઉભો છે તેની બિનખેતીની અરજી નથી મળી જ્યારે કોઈ પરવાનગી પણ પાર્ટી પ્લોટ ધારકે મેળવેલી નથી તેથી કાયદા મુજબ આ જમીનમાં શરતભંગનો કેસ થઈ શકે છે ઉપરાંત લાખો રૂપિયાનો દંડ થઈ શકે છે તેમણે વધુમાં કહ્યું હતું કે, રેવન્યુ તલાટી અને સર્કલ ઓફીસરે જમીનની સ્થળ તપાસ કરેલ છે જે મુજબ પાર્ટી પ્લોટ ⋅ગેરકાયદે છે.