પોલીસે પકડી અડધા લાખની એલોપેથિક દવાનો જથ્થો કબજે કર્યો
જૂનાગઢ નજીકના પ્લાસવા ગામે જિલ્લા એલસીબીની ટીમે દરોડો પાડીને લોકોના જીવ સાથે છેલ્લા 7 વર્ષથી ચેડા કરતા મૂળ જૂનાગઢના બ્લોચવાડામાં રહેતા 38 વર્ષીય બોગસ ડોકટરને પકડી પાડી તેના દવાખાનામાંથી અડધો લાખ રૂપિયાની એલોપેથિક દવાઓનો જથ્થો કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, પ્લાસવા ગામે છેલ્લા 7 વર્ષથી મૂળ જૂનાગઢના બ્લોચવાડાના નવા ઘાંચીવાડમાં રહેતો ઇદ્રીશ ઇસ્માઇલ પોલાદીયા ઘાંચી નામનો 12માં સુધી ભણેલો યુવાન પોતાની પાસે કોઇપણ જાતની મેડીકલ પ્રેક્ટીસ અંગેની ડીગ્રી કે લાઇસન્સ ન હોવા છતા દવાખાનુ ખોલીને પોતાને ડોકટર તરીકે ઓળખાવી બિમાર લોકોની સારવાર કરતો હતો. સમગ્ર બાબત અંગે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાને જાણકારી મળતા તેઓએ સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ જતીન જે. પટેલને આ અંગે તપાસ કરવાની સુચના આપતા તેઓએ બાતમીદારોને કામે લગાડી તપાસ કરતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. જેમા પોલીસે પ્લાસવા ગામે મેલડીમાંની ગારી પાસે આવેલી દુકાનમાં ભાડેથી ચાલતા દવાખાના પર દરોડો પાડી એલોપેથિક એન્ટીબાયોટીક, સ્ટીરોઇડ જેવી દવાઓનો મોટો જથ્થો પકડી પાડી બોગસ તબીબ ઇદ્રીશ ઘાંચીની અટકાયત કરી હતી.