IPL 2026 ના ત્રીજા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 8 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી છે. રાજસ્થાનની આ જીતનો અસલી હીરો વૈભવ સૂર્યવંશી રહ્યો હતો.જેની વિસ્ફોટક બેટિંગ સામે ચેન્નાઈના બોલરો લાચાર દેખાયા હતા.
માત્ર 15 બોલમાં અડધી સદી: વૈભવનું રૌદ્ર સ્વરૂપ
128 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માટે વૈભવ સૂર્યવંશીએ મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.તેણે માત્ર 17 બોલમાં 52 રન ફટકાર્યા હતા.જેમાં 4 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે.
-
સ્ટ્રાઈક રેટ: 305.88
-
રેકોર્ડ: વૈભવે માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તેના આઈપીએલ કરિયરની સૌથી ઝડપી અડધી સદી છે અને રાજસ્થાન રોયલ્સ માટે બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેણે પોતાના નામે કર્યો છે.
ધોની વિના મેદાનમાં ઉતરેલી ચેન્નાઈની બેટિંગ ફ્લોપ
લાંબા સમય બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ એમ.એસ.ધોની વિના મેદાનમાં ઉતરી હતી અને તેની ગેરહાજરી ટીમ પર ભારે પડી હોય તેમ જણાય છે. છેલ્લે વર્ષ 2010 માં ચેન્નાઈની ટીમ ધોની વિના મેચ જીતી હતી, પરંતુ આ વખતે ફરી હારનો સામનો કરવો પડ્યો છે.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં માત્ર 127 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી જેમી ઓવરટને સૌથી વધુ 43 રન (36 બોલ) કર્યા હતા. જ્યારે અન્ય કોઈ પણ બેટ્સમેન 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો.
રાજસ્થાનનો એકતરફી વિજય
વૈભવની તોફાની બેટિંગના જોરે રાજસ્થાન રોયલ્સે આ લક્ષ્ય માત્ર 12.1 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે રાજસ્થાને મહત્વના 2 પોઈન્ટ્સ મેળવી લીધા છે. અને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
Post Views: 0











