ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી: ‘આંખના બદલે માથું વાઢી લઈશું’,ખાડીમાં ડુબાડી દેવાની આપી ધમકી

પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ગંભીર વળાંક પર પહોંચ્યો છે..ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મુજતબા ખામેનેઈના સૈન્ય સલાહકાર મોહસેન રઝાઈએ જણાવ્યું છે કે, અમેરિકા પાસે પોતાની જાતને આ “દલદલ” માંથી બહાર કાઢવા માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જો અમેરિકા ઈરાનના પાયાના માળખા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) પર હુમલો કરશે, તો હવે વળતો પ્રહાર “આંખના બદલે આંખ” નહીં, પરંતુ “આંખના બદલે માથું” લેવાની નીતિ પર હશે. રઝાઈની આ ધમકી ટ્રમ્પની એ જાહેરાતના એક દિવસ પછી આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે યુએસ આગામી 5 દિવસ માટે ઈરાનના એનર્જી પ્લાન્ટ્સ પરના હુમલા રોકી દેશે.

અમેરિકા પાસે સમય ઓછો છે

IRNA સાથેના ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં રઝાઈએ ચેતવણી આપી હતી કે, “જો તમે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરશો, તો અમે તમને પાંગળા (અપંગ) બનાવી દઈશું.” ઈરાનના ટોચના નેતાએ વોશિંગ્ટનને ધમકી આપતા ઉમેર્યું કે, તેહરાન તમને “પેરાલાઈઝ કરી દેશે અને ખાડીના પાણીમાં ડુબાડી દેશે.”

ટ્રમ્પ પર નિશાન: ‘ધ્યાન ભટકાવવાની કોશિશ’

ટ્રમ્પ દ્વારા 5 દિવસ માટે હુમલા રોકવાના નિર્ણય પર કટાક્ષ કરતા રઝાઈએ તેને “મનોવૈજ્ઞાનિક યુદ્ધનીતિ” ગણાવી હતી. તેમણે કહ્યું કે આવી વિરોધાભાસી હરકતોથી ઈરાનનું ધ્યાન યુદ્ધના મોરચેથી ભટકશે નહીં.

યુદ્ધ રોકવા માટે ઈરાનની ત્રણ મુખ્ય શરતો

ઈરાને આ સંઘર્ષ અટકાવવા માટે અમેરિકા સામે ત્રણ મોટી શરતો મૂકી છે:

  1. વળતરની માંગ: યુદ્ધમાં થયેલા તમામ નુકસાનનું પૂરું વળતર અમેરિકાએ ચૂકવવું પડશે.

  2. પ્રતિબંધો હટાવવા: ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધો તાત્કાલિક દૂર કરવામાં આવે.

  3. દખલગીરી બંધ કરવી: ભવિષ્યમાં ઈરાનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવાની લેખિત ગેરંટી આપવામાં આવે.

રઝાઈએ ભારપૂર્વક કહ્યું કે,”જ્યાં સુધી આ શરતો પૂરી નહીં થાય, ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. આ અમારા દેશ, અમારા નેતા અને સશસ્ત્ર દળોનો સામૂહિક નિર્ણય છે.”

પાકિસ્તાનની મધ્યસ્થીની ઓફર

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ‘શાંતિ દૂત’ બનવાની ઓફર કરી છે. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે સોશિયલ મીડિયા ‘X’ પર અમેરિકા અને ઈરાનને ઈસ્લામાબાદમાં વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની ઈરાની નેતૃત્વ સાથે “સકારાત્મક વાતચીત” થઈ છે. પરંતુ ઈરાને આ દાવાને “ફેક ન્યૂઝ” ગણાવીને ફગાવી દીધો છે.ઈરાનનું કહેવું છે કે, આ માત્ર બજારને પ્રભાવિત કરવાની એક ચાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE