Heavy snowfall : ખરાબ હવામાનને કારણે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટ્સ પ્રભાવિત, 5 ફ્લાઈટ કેન્સલ, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં શીત લહેર અને ભારે હિમવર્ષાની ચેતવણી
Heavy snowfall : જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે પ્રવાસીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સિઝનની પ્રથમ હિમવર્ષા બાદ શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. જેના કારણે અનંતનાગમાં 2000થી વધુ વાહનો અટવાયા છે. શ્રીનગર-લેહ હાઈવે અને મુગલ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરને લદ્દાખ સાથે જોડતા ઝોજિલા પાસ પર તાપમાન -25 ડિગ્રી સેલ્સિયસ હતું. ખરાબ હવામાનને કારણે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. 5 ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી.
શુક્રવારે શ્રીનગર, ગાંદરબલ, અનંતનાગ, કુલગામ, શોપિયાં, પુલવામાના મેદાની વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને ખરાબ હવામાનથી પોતાને બચાવવા અને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેમણે અનંતનાગના ડેપ્યુટી કમિશનર સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી છે. હાઈવે પર ફસાયેલા પ્રવાસીઓ અને તેમના વાહનોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભારે વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે પરંતુ હળવા અને પ્રવાસી વાહનોને બહાર કાઢીને સુરક્ષિત રીતે તેમના ઘરે પરત મોકલવામાં આવશે.
હવે જાણીએ પર્વતીય રાજ્યોમાં હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે. 1 થી 5 જાન્યુઆરી વચ્ચે કાશ્મીરમાં કેટલીક જગ્યાએ હળવી હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં IMDએ શનિવારે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં શીત લહેર અને ભારે હિમવર્ષાની ચેતવણી આપી છે. ખરાબ હવામાનને જોતા ચમોલીમાં તમામ સરકારી, બિનસરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે હિમાચલ પ્રદેશના 6 પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગે લાહૌલ-સ્પીતિ, ચંબા, કાંગડા, કુલ્લુ, શિમલા, કિન્નૌર માટે આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
હિમાચલ પ્રદેશમાં હવામાનની શું છે સ્થિતિ ?
હિમાચલ પ્રદેશમાં ઊંચા શિખરો પર તાજી હિમવર્ષા અને નીચલા મેદાનોમાં વરસાદને કારણે અટલ ટનલ રોહતાંગ સુધી વાહનોની અવરજવર ફરીથી બંધ કરી દેવામાં આવી છે. શિમલાને રામપુરથી જોડતો નેશનલ હાઈવે-5 કુફરી, છરાબરા, ફાગુમાં લપસણો બની ગયો છે. નારકંડા પાસે રોડ બ્લોક છે. સાંજથી શિમલા તરફનો ટ્રાફિક લુહરી/સુન્ની થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ જિલ્લામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા અને કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષાની આગાહી કરી છે.
આ સાથે આગામી 12 કલાકમાં કુલ્લુ, શિમલા, મંડી જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા/વરસાદની શક્યતા છે. હમીરપુર, બિલાસપુર, ઉના, સિરમૌર અને સોલન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બિલાસપુર, ઉના અને સોલન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. ચંબા અને કાંગડા જિલ્લામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સરકારે પ્રવાસીઓને અને સ્થાનિક લોકોને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.











