ભાજપના ધારાસભ્યનો દગો, કોંગ્રેસના નેતા પાસેથી ઓટીપી લઈ ભાજપના સભ્ય બનાવી દીધા

ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને રોજ એક વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે ભાવનગર, મહેસાણા બાદ હવે વલસાડમાં પણ ભાજપ સદસ્યતા અભિયાનને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. જેમાં ધરમપુરના કોંગ્રેસના નેતાને ભાજપના સભ્ય બનાવી દીધા હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ધરમપુરના કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચ્યો છે. વિવાદ વકરતા રાજેશ પટેલે ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપ કરતા કહ્યું કે, ‘એક ધાર્મિક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યએ જાણ બહાર તેમને ભાજપના સભ્ય બનાવી દીધા હતા.’

બીજી તરફ, ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે કોંગ્રેસના નેતા જાતે પોતાની પાસે આવ્યા હતા અને સભ્ય બનવા માગતા હોવાની વાત કરી હતી, ત્યાર બાદ જ તેમને સભ્યા બનાવાયા હોવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રમેશ પટેલે શું કહ્યું?

કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રમેશ પટેલે કહ્યું કે, ‘રાજેશ પટેલ અને રમેશ પટેલ બંને મિત્રો સાથે ભાજપે દગો કર્યો છે. મોબાઈલમાં આવેલો ઓટીપી આપવા કહ્યું હતું, પરંતુ તેમને ભાજપના સભ્ય બનાવી છીએ તેવી ચોખવટ નહોતી કરી.’

રમેશ પટેલે દાવો કર્યો કે ‘અમે બંને કોંગ્રેસી જ છીએ, આ તો માત્રને માત્ર અરવિંદભાઈનું ગતગડું છે.’ તેમનું કહેવું છે કે, ‘અમે એક ધાર્મિક કામમાં ગયા હતા, ત્યારે અરવિંદભાઈએ ઓટીપી આવ્યો છે એમ કહીને મારો ફોન માગ્યો હતો. જેથી મે ફોન એમને આપ્યો હતો. આ દરમિયાન એમણે ભાજપમાં જોડાવાની કોઈ વાત પણ કરી ન હતી. અરવિંદ પટેલે સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયા વાયરલ કર્યા છે એ તદ્દન ખોટું છે. મારી કોઈપણ મંજૂરી વિના તેમણે આ કર્યું છે.’

ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા

ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે કહ્યું કે, ‘અમે કોઈ દગો નથી કર્યો, સર્કિટ હાઉસ ખાતે રાજેશ પટેલે મને પણ સભ્ય બનાવો એમ જણાવ્યું હતું અને મેં એમને આવકારી એમની સાથે ફોટો પણ પડાવ્યા. આ દરમિયાન રાજેશભાઈએ ઓટીપી આપ્યો અને તેમને સભ્ય બનાવ્યા હતા. સભ્ય બનવા અંગે રાજેશભાઈએ ખુશી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ વેરવિખેર થઈ રહી છે, ત્યારે ભાજપના વિકાસના કામો જોઈને ઘણાં બધા કોંગ્રેસીઓ ભાજપના સદસ્ય બની રહ્યાં છે.’

જો કે હવે કોઈ કારણસર હવે બંને નેતા ફરી ગયા છે અને ભાજપ પર આક્ષેપ કરી રહ્યા હોવાનો અરવિંદ પટેલે દાવો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE