ભારતીય શેરબજારમાં પ્રચંડ કડાકો: સેન્સેક્સ ૧૦૦૦ અને નિફ્ટી ૨૫૦ પોઇન્ટ તૂટતાં રોકાણકારોના ૪ લાખ કરોડ રૂપિયા સ્વાહા

સેન્સેક્સમાં 1000 તો નિફ્ટીમાં 250થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 4 લાખ કરોડ ધોવાયા, બજાર તૂટવાના 4 કારણો

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. બજારની શરૂઆત સકારાત્મક રહી હતી, પરંતુ ત્યારબાદ વ્યાપક વેચવાલી વળતા સેન્સેક્સ ઉપલી સપાટીથી ૧૦૦૦ અંકથી વધુ ગગડી ગયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૨૫૦થી વધુ પોઇન્ટ ઘટીને ૨૩,૦00 ની નીચે સરકી ગયો હતો. આ ભારે ઘટાડાને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓના રોકાણકારોના અંદાજે ૪ લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે, અને કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને ૪૬૮ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

બજારમાં ભારે ઘટાડા પાછળના ૪ મુખ્ય કારણો:

  • ૧. બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી: પ્રાઇવેટ બેન્કોના નબળા દેખાવે બજારની કમર ભાંગી નાખી છે. HDFC બેન્કના શેર આશરે ૨ ટકા ગગડ્યા હતા. સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો બાદ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) પર દબાણ અને નફાની શિથિલ વૃદ્ધિને કારણે રોકાણકારો ચિંતામાં મુકાયા હતા. આ ઉપરાંત એક્સિસ બેન્ક, કોટક બેન્ક, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સમાં પણ ૧.૭૨% થી ૩.૮૦% સુધીનો ઘટાડો નોંધાયો છે.

  • ૨. ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૮ ડૉલર પ્રતિ બેરલની ઉપર જળવાઈ રહેતા ભારતીય અર્થતંત્ર પર દબાણ વધ્યું છે. ભારત ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર હોવાથી મોંઘું ક્રૂડ ઓઇલ આયાત બિલ અને ફુગાવાને વધારે છે, જેની સીધી અસર કંપનીઓના માર્જિન પર પડે છે.

  • ૩. વૈશ્વિક બજારોના નબળા સંકેતો: એશિયન બજારોમાં પણ નરમાઈ જોવા મળી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓમાં મોટા પાયે ફંડિંગ અને રોકાણને લઈને ઊભી થયેલી ચિંતાઓને કારણે ટેક્નોલોજી શેરો દબાણ હેઠળ રહ્યા છે, જેથી વૈશ્વિક સ્તરે રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગડ્યું છે.

  • ૪. ઇન્ડિયા VIX (વોલેટિલિટી ઇન્ડેક્સ) માં ઉછાળો: બજારમાં અસ્થિરતા દર્શાવતો ઇન્ડિયા VIX આશરે ૪% વધીને ૧૪.૫૨ ના સ્તરે પહોંચી ગયો છે. VIX માં આ તેજી બજારમાં વધતી અનિશ્ચિતતા અને આગામી દિવસોમાં વધુ વધઘટ થવાની આશંકા દર્શાવે છે.

આગામી બજારની ચાલ: દશેરાના તહેવાર નિમિત્તે ભારતીય શેરબજાર બંધ રહેશે. ત્યારબાદ બજાર ખુલ્યા બાદ રોકાણકારોની નજર ક્રૂડ ઓઇલના ભાવ, વૈશ્વિક વલણો અને કોર્પોરેટ ક્વાર્ટરના પરિણામો પર રહેશે. ખાસ કરીને બેન્કિંગ શેરોની ચાલ આગામી દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE