રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ પેથોલોજી ટેન્ડરને તપાસમાં ‘ક્લિનચીટ’: આરટીઆઈ કાર્યકર્તાઓ હાઈકોર્ટમાં જવાની તૈયારીમાં

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ પેથોલોજી ટેન્ડરને તપાસમાં ‘ક્લિનચીટ’!

રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી ટેન્ડરમાં આચરાયેલી કથિત ગોલમાલ અને દોઢ વર્ષથી ગરીબ દર્દીઓ પર પડેલા આર્થિક બોજ અંગે હાથ ધરાયેલી તપાસમાં ‘ક્લિનચીટ’ આપી દેવાતા નવો વિવાદ સર્જાયો છે. આ અગાઉ દવા-સાધનોની ખરીદીના વિવાદિત બિલો અટકાવી તપાસના આદેશ અપાયાને ૧૦ મહિના વીતી ગયા છતાં પરિણામ શૂન્ય રહ્યું હતું. હવે પેથોલોજી ટેન્ડરના આ ગંભીર પ્રકરણમાં આરટીઆઈ કાર્યકરોએ છ સરકારી કચેરીઓમાં આધાર-પુરાવા સાથે આપેલી ફરિયાદો બાદ ગાંધીનગરથી શરૂ કરાયેલી તપાસના અંતે ફરિયાદીને જાણ કર્યા વિના ક્લિનચીટ આપી દેવાતાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.

ગંભીર આક્ષેપો અને વિવાદની મુખ્ય વિગતો:

  • ઊંચા ભાવ અને દર્દીઓ પર બોજ: ટેન્ડરમાં ઊંચા ભાવવાળી બિડ સ્વીકારવામાં આવતા ઓપીડી દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ માટે વધુ નાણાં ચૂકવવા પડી રહ્યા છે. ઉદાહરણ તરીકે, એબીજી ટેસ્ટમાં પ્રતિ ટેસ્ટ રૂ. ૨૦૦નો સીધો તફાવત છે, જેના કારણે માત્ર આ એક જ ટેસ્ટ પર વાર્ષિક રૂ. ૨૦ લાખનો વધારાનો નાણાકીય બોજ દર્દીઓ અને સરકારી તિજોરી પર પડી રહ્યો છે.

  • બિડ-રિગિંગ અને ગેરરીતિનો આરોપ: આરટીઆઈ કાર્યકર્તા સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું કે, ટેન્ડરમાં ઓછા થતા ટેસ્ટોમાં નીચા દર અને વધુ થતા ટેસ્ટોમાં ઊંચા દર રાખીને ચાલાકી પૂર્વક આર્થિક ભારણ વધારાયું છે. ઉપરાંત, ટેન્ડરમાં ભાગ લેનારી બે લેબ એકબીજાની સબસિડિયરી હોવાની શંકા છે, જે સીધો ‘બિડ-રિગિંગ’નો ગંભીર ગુનો બને છે.

  • મુદત પૂરી છતાં સેવાઓ ચાલુ: મૂળ કરારની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કોઈ સત્તાવાર મંજૂરી વિના આ ખાનગી લેબ પાસેથી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે, જે સ્પષ્ટપણે નિયમોનું ઉલ્લંઘન છે.

  • સરકારી સ્તરેથી ક્લિનચીટ અને આગળની કાનૂની લડાઈ: ચાર મહિનાની તપાસ બાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડિન દ્વારા તપાસ પૂર્ણ થઈ હોવાનું અને ટેન્ડર પ્રક્રિયા યોગ્ય હોવાનું કહી ક્લિનચીટ આપી દેવાઈ છે. આ નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરતા ફરિયાદીઓએ હવે વિજિલન્સ કમિશન, લોકાયુક્ત, એસીબી તેમજ જરૂર પડ્યે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE