ખેરા: વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસના અવસરે GHCL ફાઉન્ડેશન દ્વારા હેલ્પએજ ઈન્ડિયાના સહયોગથી ખેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સહાય અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકો પ્રત્યે આદર વ્યક્ત કરવાની સાથે તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને દૈનિક જીવનને વધુ સુગમ બનાવવાનો હતો. આ પ્રસંગે હેલ્પએજ ઈન્ડિયા દ્વારા જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને 11 વ્હીલચેર અને 7 ઘોડીઓ/વોકિંગ સ્ટિકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેડિકલ મોબાઈલ વાનના ડૉ. કલ્પેશ ધાંધલિયા દ્વારા વૃદ્ધાવસ્થામાં જોવા મળતી આરોગ્ય સમસ્યાઓ, સલામતીના ઉપાયો અને યોગ્ય સંભાળ અંગે આરોગ્ય જાગૃતિ સત્ર યોજાયું હતું. GHCL ફાઉન્ડેશનના CSR વિભાગના હનીફ કાળવાતર અને ડૉ. રવિ સોલંકીએ ગ્રામ્ય વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ, સામાજિક મૂલ્યો અને આજના યુવાનોની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન હેલ્પએજ ઈન્ડિયાના શ્રી જયસુખ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી રોહિત વાળા, પરસનાજી રાઠોડ, ભાવસિંહ વંશ, જીવા મોરી તેમજ લક્ષ્મણ નાઘેરા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
GHCL ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકોને સન્માન, સંભાળ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે સંસ્થા સતત પ્રતિબદ્ધ છે.
આ કાર્યક્રમ દ્વારા વરિષ્ઠ નાગરિકો પ્રત્યે માત્ર સન્માન જ નહીં, પરંતુ તેમની સુખાકારી અને આત્મનિર્ભરતા માટે સમાજની સામૂહિક જવાબદારીનો પણ મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.











